નદીમાંથી યુવતીની લાશ મળી, બીજા જ દિવસે પોલીસે અંતિમ સંસ્કાર કરાવી દીધા!

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટ કરેલા હુકમ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.ત્યારે ગુમ થયેલી યુવતીની લાશ રિવરફ્રન્ટ પરથી પોલીસને મળી આવીને બીજા દિવસે પોલીસે તેના અગ્નિ સંસ્કાર કરાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાશનો નિકાલ કર્યાના 25 દિવસ પછી માતાને સાબરમતી પોલીસ મથકમાં બોલાવીને ફોટા બતાવીને કહ્યું કે, તમારી પુત્રીની લાશ 24મી ડિસેમ્બરના રોજ મળી આવી હતી અને 25મીના પોલીસે સાથે રહીને અગ્નિ સંસ્કાર કરી લીધા છે.ગુમ યયેલી યુવતીની તપાસ કરવા માટે માતાએ વખતો વખત સાબરમતી પોલીસ પાસે આજીજી કરી છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.આખરે ગુમ થયાને એક માસ બાદ યુવતીની  માતાને લાશના ફોટા જ મળ્યા.

સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહચોકમાં ચન્દ્રભાગા ચાલીમાં જમનાબહેન પૂનમભાઈ ચાવડા રહે છે.જેમને સંતાનમાં સાત દીકરી અને ત્રણ દીકરા છે.જેમાં સૌથી મોટી પુત્રી હેતલ ચાવડા ધોરણ 12મા અભ્યાસ કરતી હતી. હેતલ 21મી ડિસેમ્બર 2015ના રોજ ઘરે પરત નહીં આવતાં તેની તપાસ કરી હતી.આ બાબતે સાબરમતી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ 21મીના રોજ કરવામાં આવી હતી.

પોલીસ મથકમાં હેતલને સતત વિશાલ સોલંકી નામનો શખ્સ હેરાન કરીને ધમકી આપતાે હોવાનું પણ કહ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા વિશાલ સોલંકીને બોલાવીને પરત મોકલી દેવામાં આવતો હતો. સાબરમતી પોલીસે હેતલની તપાસ નહીં કરતા ગુજરાત હાઈકેોર્ટમાં એડવોકેટ ડી.ડી.પઠાણ મારફતે હેબિયર્સ કોર્પસ રિટ કરી હતી.જેમાં 7મી જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે  સાબરમતી પોલીસને ગુનાે દાખલ કરીને તપાસ કરવા માટે હુકમ કર્યો હતો.

જશોદાબહેન ચાવડા સાબરમતી પોલીસ મથકમાં જઈને પુત્રીને શોધવા માટે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે ગુનો દાખલ કરીને તપાસ કરવા માટે ફરી આજીજી કરી હતી. આ વખતે હાજર પોલીસ જવાનોએ કહ્યું કે, તપાસ ચાલુ છે. તમારી છોકરી મળી આવશે ત્યારે તેની જાણ કરવામાં આવશે. હવે પોલીસમાં ધક્કા ખાતા નહીં.તા.19મીને સોમવારના રોજ જશોદાબહેન ચાવડા પર ફોન આવ્યો કે, તમે તાત્કાલીક પોલીસ મથક આવો એટલે જશોદાબહેન તેમના ભાઈને સાથે લઈને પોલીસ મથક ગયા હતા.

ત્યારે ગભરાતાં ગભરાતાં ફોટા બતાવ્યાને કહ્યુ કે, આ તમારી પુત્રીનો ફોટા છે. ત્યારે માતા જશોદાબહેને પોલીસને ક્હ્યું કે, હા મારી પુત્રીના ફોટા છે.ત્યારે પોલીસે કહ્યુ કે, રિવરફ્રન્ટ પાસેથી 24મી ડિસેમ્બરના રોજ લાશ મળી આવી હતી. આ લાશનો 25મી ડિસેમ્બરના રોજ ટ્રસ્ટ મારફતે નિકાલ કરી દેવામાં આવ્યો છે. તે વખતે જશોદાબહેને આક્રોશ સાથે કહ્યું કે, હવે કશું રહ્યું નથી તો મને શા માટે પોલીસ મથક બોલાવી હતી. પછી જશોદાબહેન પોલીસ મથકથી ઘરે પરત ચાલ્યાં ગયાં હતાં. બાદમાં સાબરમતી પોલીસ હવે જશોદાબહેન પાસે જઈને નિવેદન લખાવવા માટે દબાણ કરી રહી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનના પીએસઓ દોલતસિંહે જણાવ્યું હતું કે, ૨૪ ડિસેમ્બરના રોજ હેતલ ચાવડા ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તા.૧૯ જાન્યુઅારીના રોજ રિવરફ્રન્ટ (પશ્ચિમ) પોલીસે અમને બિન વારસી લાશના ફોટા આપીને જાણ કરી હતી કે યુવતીના અંતિમ સંસ્કાર ૨૫ ડિસેમ્બરે જ કરાવી દીધા હતા.

પોસ્ટમોર્ટમ  વિભાગના ડોકટરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બિન વારસી લાશનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ સાત દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની  હોય છે. પોલીસે બિન વારસી લાશની તમામ પોલીસ મથકો જાણ કરવાની હોય છે. કોઇ સંસ્થા દ્વારા આવી રીતે બીજા દિવસે લાશનો નિકાલ કરી શકાય નહીં.
આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશન, રિવર ફ્રન્ટ (પશ્ચિમ) પોલીસ સ્ટેશનના પીઆઇ અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.

You might also like