માધવપુરામાં બાળકી-શાહીબાગમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદ: શહેરનાં માધવપુરા અને શાહીબાગ વિસ્તારમાં નાનાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટનાઓ બની છે. માધવપુરાના ઈદગા વિસ્તારમાં પાડોશી યુવકે પાંચ વર્ષની બાળકીને લાલચ આપી તેના ઘરે લઇ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ આ અંગે તેની માતાને જાણ કરતાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

માધવપુરાના ઈદગા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં મૂળ રાજસ્થાનનો રહેવાસી અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો પરિવાર રહે છે. આ પરિવારની પાંચ વર્ષની બાળકી ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ તેના ઘરની બહાર રમતી હતી. દરમ્યાનમાં તેના ઘરની નજીકમાં રહેતો યુવક તેની પાસે આવ્યો હતો.

યુવક બાળકીને ચોકલેટની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો. ઘરનો દરવાજો બંધ કરી યુવકે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં તે સફળ ન રહેતાં તેણે બાળકીને છોડી દીધી હતી. બાળકીએ ઘરે જઈ તેની માતાને જણાવ્યું હતું કે તેની સાથે બાજુવાળાએ આ રીતે કૃત્ય કર્યું છે. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોઈ તેઓએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

ઉપરાંત શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં સગીર યુવકે ચોકલેટની લાલચ આપીને નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની કોશિશ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સામાન ચઢાવવાના બહાને સગીર બાળકને પાડોશીના મકાનમાં લઇ ગયો, જ્યાં તેણે આ કૃત્ય આચર્યું છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ કાંતિલાલની ચાલીમાં રહેતા ૩૩ વર્ષીય પ્રિતમભાઇ (નામ બદલેલ છે)એ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક સગીર વયના યુવક વિરુદ્ધમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે પ્રિતમભાઇ ગઇ કાલે રાતે નોકરી પરથી ઘરે આવ્યા ત્યારબાદ તેના ભાઇના ઘરે ગયા હતા.

મોડી રાતે અચાનક ચાલીમાં બૂમાબૂમ થતાં લોકો ભેગા થઇ ગયા હતા. પ્રિતમભાઇ અને તેમના ભાઇ પણ ત્યાં દોડી ગયા હતા. પ્રિતમભાઇએ જોયું તો તેમનો ૯ વર્ષનો ભત્રીજો રાજાભાઇના ઘરના ધાબા પરથી રડતો રડતો આવતો હતો. બાળક પાસે એક ૧૭ વર્ષનો સગીર વયનો યુવક પણ હાજર હતો.

પ્રિતમભાઇએ ભત્રીજાને રડવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે અંબાજીમાતાના ચોકમાં સૂવા માટે ગયો હતો ત્યારે સગીર તેની પાસે આવ્યો હતો. સગીરે બાળક સાથે વાતચીત કરી હતી અને રાજાભાઇના મકાનમાં સામાન ચઢાવવાનો છે તેમ કહીને તેને લઇ ગયો હતો.

રાજાભાઇના ઘરે સામાન ચઢાવ્યા બાદ સગીર બાળકને ધાબા પર લઇ ગયો હતો, જ્યાં તેણે ચોકલેટની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકે બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા, જ્યારે સગીર યુવક ફરાર થઇ ગયો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને સગીર યુવકની અટકાયત પણ કરી છે.

You might also like