મૈં ભાગ રહા હૂં, તીન મહિને મેં આ જાઉંગા, ગિરિરાજ ભી ભાગ રહા હૈ

અમદાવાદ: આજકાલ બાળકો ગુમ થવાની અસંખ્ય ફરિયાદ પોલીસ ચોપડે વધી રહી છે ત્યારે વધુ બે બાળકો ગુમ થવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી, જોકે બે દિવસ બાદ બાળકો હેમખેમ ગોવાથી મળી આવતાં પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ધોરણ-10માં અભ્યાસ કરતા બે મિત્રો બે દિવસ પહેલાં ઘર છોડીને જતા રહેતાં પોલીસ તથા ક્રાઇમ બ્રાંચની ટીમે તેમને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસને એક વિદ્યાર્થીના ઘરમાંથી ‌ચિઠ્ઠી મળી હતી, જેમાં વિદ્યાર્થીએ મૈં ભાગ રહા હૂં તીન મહિને મેં આ જાઉંગા અને ‌ગ‌િરિરાજ ભી ભાગ રહા હૈ તેવું લખ્યુ હતું. આ ઘટનાથી પરિવારજનોના જીવ તાળવે આવી ગયા હતા.

જુહાપુરા વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે આવેલા ફિરોઝાવિલા રો-હાઉસમાં રહેતા અને હાર્ડવેરનો ધંધો કરતા ઇરફાન ઇશાકભાઇ ઉનાવાલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેમનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર ઇરફાનભાઇનો 15 વર્ષીય પુત્ર હુસેન ઉનાવાલા અને તેનો મિત્ર ‌ગ‌િરિરાજ સંજયકુમાર ગર્ગ (રહે. રીયમંડ ગ્રાંડ, ટોરેન્ટ પાવર સામે મકરબા રોડ, વેજલપુર) બોપલ ખાતે આવેલી કોસમોસ કેસલ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

બે દિવસ પહેલાં સવારે દસ વાગ્યાની આસપાસ હુસેન ‌ગ‌િરરાજના ઘરે અભ્યાસ કરવાનું કહીને નીકળ્યો હતો. મોડી રાત સુધી હુસેન ઘરે પરત નહીં આવતાં તેના પિતા ઇરફાનભાઇએ તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન ‌ગ‌િરિરાજના ઘરે પણ પૂછપરછ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે ‌ગ‌િરિરાજ પણ ઘરે આવ્યો નથી. ત્યારબાદ ઇરફાનભાઇએ તેના રૂમમાં તપાસ કરતાં હુસેને હિન્દીમાં લખેલી એક ‌ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં હુસેને લખ્યું હતું કે મૈં ભાગ રહા હૂં તીન મહિને મેં આ જાઉંગા અને ‌ગ‌િરિરાજ ભી ભાગ રહા હૈ. આ ચિઠ્ઠીમાં હુસેન અને ‌ગ‌િરરાજે સહી કરી હતી.

બન્ને બાળકો ભાગી જવાની ઘટનાથી પરિવારજનોના જીવ તાળવે આવી ગયા હતા આજે સવારે ‌ગ‌િરિરાજના પિતા સંજયકુમાર પર બન્ને જણાએ ફોન કરીને તેઓ ગોવા ફરવા ગયા હોવાનું જાણવા મળતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એ. વી. પટેલે જણાવ્યું છે કે બન્ને બાળકો કોઇ પણ વાહન લીધા વગર નીકળી ગયાં હતા હાલમાં તેઓ ગોવા ફરવા ગયા હોવાનું સામે આવ્યું છે. બાળકોના પિતા તેમને લેવા ગોવા રવાના થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ મનોહર સોસાયટીમાં રહેતો 13 વર્ષીય કેતન ગિરીશભાઇ સુથાર 9 જૂનના રોજ ટ્યૂશન ગયા બાદ એકાએક ગુમ થઇ ગયો છે. આજદિન સુધી પોલીસ તેને શોધી શકી નથી. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ તથા ખોખરા પોલીસે કેતનને શોધવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ખોખરા વિસ્તારમાં 30 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા સંખ્યાબંધ લોકોની પૂછપરછ કરી તેમ છતાંય હજુ સુધી તેની ભાળ મળી નથી.

શહેરની અંદરથી છેલ્લા એકાદ મહિનામાં ૧૦થી વધુ બાળકો ઘરમાંથી ગુમ થયાની ઘટનાઓ બનવા પામી છે. મોટા ભાગે ૮થી ૧પ વર્ષનાં બાળકો કોઇ પણ રીતે ઘર છોડીને અથવા તો ભેદી સંજોગોમાં ગાયબ થઇ ગયાં છે. આ રીતે બાળકોનાં ગુમ થવા અંગેની ઘટના બનતા સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે. થોડા દિવસ અગાઉ ત્રણ બાળકો નારણપુરામાં પોતાની સ્કૂલ નજીકથી ગુમ થઇ ગયાં હતાં. બાદમાં ઠક્કરબાપાનગર ખાતે રહેતાં બે નાનાં-ભાઇ-બહેન રાજસ્થાન ખાતે પોતાનાં મામાનાં ઘરે જતાં હતાં.

બંને ઘટનામાં બાળકો એક દિવસ પોતાના પરિવાજનોથી દૂર રહ્યાં હતા. વિવેક પરમાર નામનો બાળક પણ ગુમ થઇ ગયા બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બીજી તરફ વટવા વિસ્તારમાંથી પણ ૧૧ વર્ષનો એક બાળક ઘરેથી ગુમ થયો છે. આવા બાળકના ગુમ થવાની ઘટનાઓ વધી રહી હોઇ બાળકના પરિવારજનોએ પોતાના બાળકનું ધ્યાન રાખવાની હવે જરૂર ઊભી થઇ છે. પોતાનું બાળક ક્યાં છે, કયાં જાય છે, કોની સાથે રમે છે વગેરે અંગેની જાણ હવે માતા-પિતાએ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

You might also like