મહેફિલમાં ગીરી ઉપરાંત અન્ય બે જણાએ શરાબ પીધો હતો

વડોદરા : શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર પ્રફુલ્લગીરી ગોસ્વામી અપમૃત્યુ કેસમાં માંજલપુર પોલીસે આજે વધુ પાંચ જણાંની પૂછપરછ કરી હતી. પ્રફુલ્લગીરી સાથે મહેફીલમાં સામેલ બે જણાએ શરાબનું સેવન કર્યું હતું. એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જપ્ત કરેલી શરાબની બંને બોટલોમાં તળીયે મળેલ શરાબના મામુલી જથ્થાને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આખા બનાવમાં અનેક લોકોની પૂછપરછ કરાઇ રહી છે પરંતુ હજુ સુધી કોઇ ગુનાહિત બાબત સપાટી પર આવી નથી.

થોડા મહિનાઓ પહેલાકારને અકસ્માત નડ્યા બાદ પ્રફુલ્લગીરીએ ડ્રાઇવીંગ કરવાનું છોડી દીધું હતું અને શરાબનું સેવન પણ ઓછું કરી દીધું હતું તે અકસ્માતમાં પ્રફુલ્લગીરીના લીવરને પણ થોડુંક નુકશાન થયું હતું એમ પોલીસે ઉમેર્યું હતું. માંજલપુર પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં તપાસ જારી છે દરમિયાન પ્રફુલ્લગીરીએ તેના સંબંધીની દુકાનમાં બોટલો છુપાવી હતી તે પોલીસે કબજે કરી હતી. આ બે બોટલોમાંથી માત્ર પ્રફુલ્લગીરીએ શરાબ પીધો અને અન્ય મિત્રોએ શરાબ ના પીધો આ વાત પોલીસને ગળે ઉતરે તેવી નથી.

પ્રફુલ્લગીરીના રાતના દોસ્તો એવા હતા કે શરાબ પીતા ન હતા કે પછી તેમના દોસ્તોએ ઇરાદપૂર્વક જ શરાબ પીધો ન હતો શરાબ ના પીવાનું કારણ શું હતું. આવા અનેક સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. નોંધનીય છે કે, બુધવારે રાત્રે પ્રફુલ્લગિરી ગોસ્વામી પોતાની દિકરીનો જન્મદિવસ ઉજવ્યા બાદ સુઇ ગયા હતા અને ત્યાર બાદ સવારે ઉઠયા ન હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે, જયારે પ્રફુલ્લગિરીના મોત બાબતે રાજકીય વર્તુળો સહિત શહેરીજનોમાં અનેક અટકળો થઇ રહી છે.

શહેરમાં બનેલી સૌથી મહત્વની રાજકીય ઘટનામાં ચર્ચામાં રહેલા પ્રફુલ્લગિરી ગોસ્વામીના મોતના સમાચાર મળતાં જ પ્રફુલ્લગિરી સાથે જ ચર્ચામાં રહેલ શહેરના મેયર ભરત ડાંગર સહિત ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત શહેરના રાજકીય નેતાઓ તથા ભાજપના કાર્યકરો પણ એસએસજીએચ ખાતે ભેગા થયા હતાં.

એસએસજીએચ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયેલ પ્રફુલ્લગિરી ગોસ્વામીના મૃતદેહના પોસ્ટમોર્ટમના રિપોર્ટની તમામ લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં હોય તેવો માહોલ એસએસજીએચના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર જણાયો હતો. આ પછી શરૃ થયેલી પોલીસ તપાસના પગલે અનેક અટકળો અનુમાન થઇ રહ્યા છે.

You might also like