ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલે પાક.ના આદેશ સામે ભારતનો ઉગ્ર વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને મુદ્દે કરાયેલ આદેશ સામે ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો છે પાકિસ્તાનના નાયબ હાઇકમિશનરને સમન્સ આપીને વિરોધ નોંધાવતાં ભારતે પાક અધિકારી સૈયદ હૈદર શાહને કહ્યું કે, પાકિસ્તાન તરફથી કબજામાં લીધેલા ભારતના કોઈપણ ભાગને રાજ્યમાં પરિવર્તિત કરવાનો કોઈ કાયદાકીય આધાર નથી. ઇસ્લામાબાદ તરફથી કથિત ગિલગિટ-બાલ્ટિસ્તાન ઓર્ડરને લઈને ભારતે આ આકરો સંદેશ પાકિસ્તાનને આપ્યો છે.

વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, શાહને જણાવાયું છે ૧૯૪૭ના વિલય પ્રસ્તાવ પ્રમાણે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન હિસ્સો છે. ૨૧મી મેએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આદેશ જારી કરીને સ્થાનિક પ્રશાસનથી અધિકારીઓને પરત બોલાવતાં પાક સરકારના હાથમાં વધુ સત્તા સોંપવાની વાત કરી હતી.

પાકિસ્તાનના નાયબ હાઈકમિશનરને સમન્સ પાઠવ્યોઃ ગિલગિટ, બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો

પાકિસ્તાન દ્વારા કરાયેલ આ આદેશનો ઘણા માનવાધિકાર સંગઠન પણ વિરોધ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું, રાજ્યના કોઈપણ ભાગને, જેના પર પાક તરફથી બળજબરીથી કબજો કરવામાં આવ્યો છે તેને રાજ્યમાં બદલવાનો પ્રયાસ કરવાનો કોઈ કાયદેસરનો આધાર નથી. આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. મંત્રાલયે કહ્યું, પાકિસ્તાને પોતાના કબજાવાળા વિસ્તારોને રાજ્યમાં પરિવર્તિત કરવાની જગ્યાએ ગેરકાયદે કબજો ખતમ કરવો જોઈએ. તેણે કબજો કરેલા ગેરકાયદે વિસ્તારને ખાલી કરી દેવો જોઈએ.

આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનરને તે પણ જણાવ્યું કે, તેવું કોઈ પણ પગલું પાક તરફથી ગેરકાયદે રૂપથી કબજો કરેલા જમ્મુ-કાશ્મીરના કોઈપણ ભાગમાં તેના અતિરેકને છુપાવી શકશે નહીં.

You might also like