યુવાનોમાં ગિફટ વાઉચર આપવાનો ટ્રેન્ડ

લગ્ન, બર્થ ડે કે પછી કોઇ સારો પ્રસંગ હોય, ગિફટ તો આપવાની જ હોય છે પરંતુ બદલાતા સમય સાથે યુવાનોએ ગિફટ આપવાની રીત બદલી નાખી છે. પહેલાં કોઇ ફંક્શન હોય ત્યારે મિત્રતાની યાદગીરીરૃપે વૉલ ક્લોક, લેમ્પ, ક્રોકરી સેટ, આર્ટિફિશિયલ ગિફટ, ફોટોફ્રેમ જેવી ગિફટ યુવાનો પોતાના મિત્રને આપતા. ધીમેધીમે આટ્રેન્ડ બંધ થયો છે. આજકાલ નવા સમયની સાથે ગિફટ આપવાની નવી રીત શરૃ થઇ છે. જેમાં ગિફટ વાઉચર આપવાનો ટ્રેન્ડ વધ્યો છે.

આ વિશે વાત કરતાં ગીરા બારોટ કહે છે કે, “કોઇ ફ્રેન્ડના ઘરે મેરેજ હોય કે કોઇ પ્રસંગ હોય ત્યારે કઈ ગિફટ આપવી તે સૌથી મોટો પ્રશ્ન બની રહેતો પરંતુ હવે તે સૉલ્વ થઇ ગયો છે. હમણાં જ મારી ફ્રેન્ડના મેરેજ હતા. અમે બે-ત્રણ ફ્રેન્ડ્સે સાથે મળીને ગિફટ વાઉચર આપવાનું નક્કી કર્યું. જો અમે અલગઅલગ ગિફટ લીધી હોત તો એવું બને કે એક ગિફટ બે વાર રિપીટ થાય, પણ એવું ના બને તે માટે અમે ૧૫૦૦ રૃપિયાનું ગિફટ વાઉચર આપ્યું. હવે અમે કોઇ પણ નાનોમોટો પ્રસંગ હોય ત્યારે ગિફટ વાઉચર આપીએ છીએ જેથી વ્યક્તિ પોતાની પસંદગીની વસ્તુ ખરીદી શકે.”

જ્યારે અલ્પેશ પટેલ કહે છે કે, “આજકાલ મેરેજમાં ચાંલ્લાપ્રથા ઓછી થતી જાય છે અને મિત્રને ત્યાં પ્રસંગ હોય તો ચાંલ્લો કરવો એ સારું પણ નથી લાગતું. ખાસ કરીને મિત્રનાં ભાઇ કે બહેનનાં લગ્ન હોય ત્યારે શું ગિફટ આપવી તે સમજાતું નથી. હવે ગિફટ વાઉચર સારો વિકલ્પ બન્યો છે. મારી ફ્રેન્ડની બહેનનાં લગ્ન હતાં ત્યારે અમે પાંચ મિત્રોએ ભેગા મળીને રૃ.૧૦૦૦નું વાઉચર આપ્યું હતું.”

ગિફટ આર્ટિકલ શોપમાં કામ કરતાં કમલેશ નીલકંઠ કહે છે કે, “યુવાનો હવે ગિફટ કરતાં ગિફટ વાઉચર લેતા થયા છે. અમારે ત્યાં એવી ઘણી વસ્તુ છે જે ગિફટમાં આપી શકાય પરંતુ યુવાનો હવે ગિફટ વાઉચર વધુ લઇ જાય છે. મારે ત્યાં રૃ.૫૦૦થી લઇને ૧૫૦૦ સુધીનાં ગિફટ વાઉચર રાખું છું.”
ગીફટ વાઉચર આપવાનું હોય તો ગિફટ પસંદ કરવાની માથાકૂટ રહેતી નથી સાથે બજેટ પણ સચવાય છે અને ગિફટનું રિપીટેશન પણ થતું નથી.
હેતલ રાવ

You might also like