પાંચાળમાં આવેલ પવિત્ર તીર્થ છે ઘેલા સોમનાથનું મંદિર, જેના પર હતી ગઝનીની નજર

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં સૌરાષ્ટ્રના બીજા સોમનાથ તરીકે ઓળખાતા પ્રાચીન શ્રી ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવેલ છે. આ ઘેલા સોમનાથ મંદિરનો વહીવટ રાજય સરકાર સંચાલિત ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંયુકત રીતે ચલાવામાં આવે છે.

ઘેલા સોમનાથ મંદિર પાંચાળ ભૂમિમાં આવેલ પવિત્ર તીર્થ સ્થળ ગણાય છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૧૫મી સદીનો છે. જયારે મહંમદ ગઝનીના વખતના ખંડનના વિવિધ ઘા સહન કરી રહેલ શ્રી સોમનાથ મહાદેવના લિંગ ઉપર છેલ્લે છેલ્લે ૧૫ના સૈકામાં ગુજરાતના સુલતાન મહંમદ જાફરની કરડી નજર પડી.

જાફરના મનસુબાની સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને બાતમી મળી કે તરત જ સૌ સાબદા થયા અને જાફર નિષ્ફળ થયો. તેના આ આક્રમણ પ્રસંગે શ્રી ઘેલા સોમનાથ મહાદેવની સ્થાપના થઇ છે. સૌરાષ્ટ્રના ક્ષત્રિયોએ મહંમદ ગઝનીના સુબા મહંમદ જાફરના હુમલાથી બચવા માટે શ્રી સોમનાથ મહાદેવનું લિંગ તેના મૂળ સ્થાનેથી હટાવીને અન્ય જગ્યાએ લઇ જવાનું નક્કી કર્યુ.

આ માટે સૌરાષ્ટ્રના ક્ષત્રિયોએ વિશાળ ધાર્મિક યાત્રા કાઢી હતી અને તેના ઉપર વિવિધ સ્થળે મહંમદ જાફરે હુમલા કરાવ્યા હતા. આ સમયે મીનળદેવી સાથે કપોળ વણિક વેણીદાસ ગોરડિયાનો પુત્ર ઘેલો શ્રી સોમનાથ મહાદેવનું લિંગ લઇને ભાગી છુટયો. હાલના મોઢુકા અને કાળાસર ગામ વચ્ચે આવેલ નદી કિનારે આ લિંગની સ્થાપના કરવામાં આવી હતી.

ઘેલા ગોરડિયા અને મહંમદ જાફર વચ્ચે થયેલા ધીંગાણામાં ઘેલો અને કુંવરી મીનળદેવી બંને શહીદ થયા હતા. ઘેલાની અપ્રતીમ બહાદુરીને ચીર સ્મરણીય બનાવવા આ મંદિરને ઘેલા સોમનાથ તરીકેનું નામ આપવામાં આવ્યું છે. જયારે મીનળદેવીએ નદીના કિનારે જીવંત સમાધિ લીધી જેની યાદીમાં બાજુના ટેકરા ઉપર મીનળદેવીની સમાધિ બનાવવામાં આવી છે.•

You might also like