ગાઝિયાબાદમાં ભાજપના નેતા તેવટિયા પર એકે-૪૭થી ૧૦૦ રાઉન્ડ ગોળીબાર

નવી દિલ્હી: દિલ્હી નજીક ગાઝિયાબાદના મુરાદનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહના નિકટના ભાજપના જાટ નેતા વ્રજપાલ તેવટિયા પર ગઇ કાલે રાત્રે અજાણ્યા બંદૂકધારી હુમલાખોરોએ એકે-૪૭થી આડેધડ ફાયરિંગ કરીને તેમની એસયુવી સ્કોર્પિયો પર ૧૦૦ જેટલા રાઉન્ડ છોડયા હતા. ફાયરિંગથી ગાડીના કાચ તૂટી ગયા હતા. કારમાં બેઠેલા ભાજપના નેતા તેવટિયા સહિત છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જે પૈકી તેવટિયા સહિત બેની હાલત એકદમ ગંભીર અને નાજુક છે. કારમાં સીટ અને તેની નીચે લોહીના ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. તેવટિયાની સ્કોર્પિયો કારના ફ્રન્ટ ગ્લાસ પર ર૧ ગોળીઓ છોડવામાં આવી હતી અને પાંચ ગોળીઓથી સ્કોર્પિયોનું બોનેટ ચારણી જેવું થઇ ગયું હતું.

આ હુમલાની વિગત એવી છે કે ગાઝિયાબાદના મુરાદનગર પોલીસ સ્ટેશન હેઠળના રાવલી માર્ગ પર અજાણ્યા હુમલાખોરોએ ભાજપના વરિષ્ઠ નેતા વ્રજપાલ તેવટિયા પર આડેધડ ગોળીબારના ૧૦૦થી વધુ રાઉન્ડ છોડયા હતા. મુરાદનગરમાં એક શોકસભામાં હાજરી આપ્યા બાદ તેવટિયા જ્યારે કવિનગર સ્થિત પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

તેવટિયાની કાર રાવલી રોડ પર સપા નેતા આશુ મલિકના ઘર પાસેથી જેવી પહોંચી કે ફોર્ચ્યુનર અને કવો‌લિસ સહિત ત્રણ કારમાં આવેલા હુમલાખોરોએ તેવટિયાની એસયુવીને ઘેરીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના જવાબમાં ભાજપના નેતાના સુરક્ષાકર્મીઓએ પણ વળતો ગોળીબાર કર્યો હતો, પરંતુ એકે-૪૭ સામે તેવટિયાના સુરક્ષાકર્મીઓ બહુ કંઇ કરી શક્યા ન હતા અને પાછલી સીટ પર બેઠેલા તેવટિયાને હાથ-પગ અને છાતીમાં ગોળીઓ વાગી હતી.

ગોળીબાર કરીને નાસી રહેલા હુમલાખોરોએ પોલીસ પાર્ટી પર પણ ફાયરિંગ કર્યું હતું. હજુ સુધી આ હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. કાયદો અને વ્યવસ્થાના એડીજી દલજિત ચૌધરીના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી એક એકે-૪૭, ર-એમએમની રિવોલ્વર અને મોટા જથ્થામાં કારતૂસો મળી આવી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને એક હોસ્પિટલમાં સારવારઅર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે પાછળથી નાજુક અને ગંભીર હાલત જોઇને તેવટિયા અને તેમના એક સાથીને નોઇડાની ફોર્ટિસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા અન્યોમાં ભાજપ નેતાના પીએસઓ સહિત ચાર પ્રાઇવેટ ગટરનો પણ સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર તેવટિયા પર ફાયરિંગના સમાચાર મળતાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને તેમના પુત્ર પંકજસિંહ તેમના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ધસી ગયા હતા. તેવટિયા ર૦૧રમાં મુરાદનગરથી ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડયા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. તેેઓ આરએસએસ સાથે પણ સંકળાયેલા છે અને દિલ્હીના વરિષ્ઠ ભાજપ નેતાઓમાં તેમની ગણના થાય છે. તેવટિયા પોતાના ગામના પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ સુરેશ દીવાનની હત્યાના આરોપમાં જેલ પણ જઇ ચૂકયા છે.

તે વખતે તેમને ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર રાકેશ હસનપુરિયા સાથે અણબનાવ થયો હતો. પાછળથી રાકેશનું એન્કાઉન્ટર થઇ ગયું હતું અને આ એન્કાઉન્ટર બદલ તેવટિયા પર પણ આરોપ મુકાયો હતો. તેવટિયાને પોતાના પર હુમલો થવાની હંમેશાં દહેશત રહેતી હતી અને એટલા માટે જ અડધો ડઝન ખાનગી ગનર પોતાની સાથે રાખીને ફરતા હતા, પરંતુ જ્યારે હુમલો થયો ત્યારે ગનર પણ કંઇ જ કરી શકયા ન હતા.

You might also like