લાંબા અંતરની ટ્રેનમાં ટૂંકા અંતરના પ્રવાસ માટે પણ રિઝર્વેશન થઈ શકશે

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ અને અેક્સપ્રેસ ટ્રેનમાં ટૂંકાં અંતરનાં સ્ટેશનની ટિકિટ નહીં આપવાનો ૫૦ વર્ષ જૂનો નિયમ રેલવેએ હવે નાબૂદ કર્યો છે. હવે લાંબા અંતરની ટ્રેનમાં પણ ટૂંકા અંતરનાં રેલવે સ્ટેશનની ટિકિટ મળી શકશે. હવે પ્રવાસીઓ કોઈ પણ અંતરની ટિકિટ માટે રિઝર્વેશન કરાવી શકશે.

આ ઉપરાંત રેલવે મંત્રાલયે ૨૩ સ્ટેશનનું આધુનિકીકરણ કરવા માટે ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયે જે રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે, તેમાં હાવડા, મુંબઈ સેન્ટ્રલ અને ચેન્નઈ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાછળ રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ખાનગી સેક્ટર દ્વારા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણના પ્રથમ પ્રોજેક્ટ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનના વિકાસને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત અન્ય ૨૨ રેલવે સ્ટેશનના અંગ્રેજના જમાનાના માળખામાં આમૂલ પરિવર્તન કરવામાં આવશે.

હબીબગંજ રેલવે સ્ટેશનના રિડેવલોપિંગનો કોન્ટ્રાક્ટ બંસલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે. રૂ. ૧૦૦ કરોડ મુખ્ય સંકુલના વિકાસમાં ખર્ચાશે. જ્યારે રૂ. ૩૦૦ કરોડ અન્ય સુવિધાઓ પાછળ ખર્ચવામાં આવશે. કેન્દ્રએ ગઈ સાલ જાન્યુઆરીમાં ૪૪ સ્ટેશનના પૂર્વ વિકાસની મંજૂરી આપી હતી, પરંતુ આ મહિનાના આરંભે ગાંધીનગર રેલવે સ્ટેશન પર કામ શરૂ થઈ ગયું છે. આ વિકાસ કાર્ય ખાનગી સેક્ટર તરફથી નહીં, પરંતુ ગુજરાત સરકાર અને રેલવેની સંયુક્ત ભાગીદારીથી કામ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like