પુણે યુનિ.નું ચોંકાવનારું ફરમાન, વિદ્યાર્થીઓ થયા પરેશાન

પુણે: પુણેની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટી પોતાના સકર્યુલરના કારણે ચર્ચામાં છે. પુણે યુનિવર્સિટીના આ સકર્યુલર મુજબ હવે વિદ્યાર્થીઓ શાકાહારી હશે તો જ ગોલ્ડમેડલ મળશે. યુનિવર્સિટી તરફથી ગોલ્ડમેડલ મેળવવાની શરતમાં શાકાહારી હોવું, ભારતીય સંસ્કૃતિના સમર્થક હોવું વગેરે બાબતો સામેલ છે.

સર્ક્યુલર અનુસાર ૧૦ શરત એવી રખાઇ છે જે મહર્ષિ કીર્તકર શેલાર મામા ગોલ્ડમેડલ માટે પાત્રતા નક્કી કરે છે. તેમાં શાકાહારી હોવાની શરત પણ સામેલ છે. સાથે સાથે આ શરતોમાં નશો ન કરવો, યોગ, પ્રાણાયામ કરવા પણ સામેલ છે. આ વર્ષે આ સકર્યુલર ૩૧ ઓકટોબરે ફરી વખત રજૂ કરાયો છે. છાત્ર સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ મેડલ યોગ મહર્ષિ રામચંદ્ર ગોપાલ શેલાર અને ત્યાગમૂર્તિ શ્રીમતી સરસ્વતી રામચંદ્ર શેલારના નામ પર યોગ ગુરુ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે આ મેડલ સાયન્સ અને નોન સાયન્સના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓને અપાય છે. યુનિવર્સિટીનું કહેવું છે કે તેમણે એવી શરતો નક્કી કરી નથી અને ટ્રસ્ટ સામે આ મુદ્દો ઉઠાવાશે.

સર્ક્યુલર પર શિવસેના અને એનસીપીએ સખત પ્રતિક્રિયા વ્યકત કરી છે. શિવસેનાના યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ યુનિવર્સિટીની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઇ વ્યકિતએ શું ખાવું, શું નહીં એ નિર્ણય તેનો ખુદનો હોવો જોઇએ. યુનિવર્સિટીએ માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપવું જોઇએ.

You might also like