જ્યોર્જ મુન્સેઃ 25 બોલમાં સદી, એક ઓવરમાં છ છગ્ગા, 39 બોલમાં 147 રનની ઇનિંગ્સ

સ્કોટલેન્ડના બેટ્સમેન જ્યોર્જ મુન્સેએ ઇતિહાસ રચતાં ગ્લોસેસ્ટરશાયર સેકન્ડ ઈલેવન ટીમ તરફથી રમતાં ફક્ત ૨૫ બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવી દેવા ઉપરાંત એક ઓવરમાં છ છગ્ગા પણ ફટકારી દીધા. ગ્લોસેસ્ટરશાયર સેકન્ડ ઈલેવન અને બાથ સીસી વચ્ચે રમાયેલી એક બિનસત્તાવાર ટી-૨૦ મેચમાં મુન્સેએ ૩૯ બોલમાં ૧૪૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ પણ રમી.

મુન્સેના સાથી બેટ્સમેન જી.પી. વિલોઝે પણ ૫૩ બોલમાં સદી ફટકારી, પરંતુ મુન્સેએ ખાસ પરાક્રમ કર્યું. તેણે ફક્ત ૧૭ બોલમાં જ પોતાની અર્ધસદી પૂરી કરી હતી. મુન્સેએ પોતાની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને ૨૦ છગ્ગા ફટકાર્યા. પોતાની ઇનિંગ્સ દરમિયાન મુન્સેએ એક ઓવરમાં છ છગ્ગા પણ ફટકાર્યા હતા.

ગ્લોસેસ્ટરશાયરના આ બંને બેટ્સમેનોની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે ટીમે ટી-૨૦ ઇતિહાસમાં ત્રણ વિકેટે ૩૨૬ રનનો સ્કોર નોંધાયો હતો, જોકે આને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રેકોર્ડ માટે માન્ય નહીં ગણાય.

ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ખેલાડીના સૌથી મોટા સ્કોરની વાત કરવામાં આવે તો ક્રિસ ગેલનું નામ આવે છે. ગેલે આઇપીએલમાં પુણે સામે ૧૭૫ રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમનો સ્કોર ૨૬૩ રન સુધી પહોંચાડી દીધો હતો. આ ઉપરાંત ટી-૨૦ ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ સ્કોર માટે કોઈ ટીમની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનનું નામ આવે છે. આ ટીમે તાજેતરમાં જ હજરતુલ્લા જજઈના ૧૬૨ રનની મદદથી આયર્લેન્ડ સામે ૨૭૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

You might also like