ઉર્દુ શાશ્વત ગીતાનું પઠન કરતાં મુસ્લિમ બિરાદરો

મહાભારત એટલે પાંડવો અને કૌરવો વચ્ચેના કાવાદાવા, હૂંસાતૂંસી અને યુદ્ધની કથા. મહાભારતની સાવ સાદી વ્યાખ્યા કરવાની આવે તો આવું કશુંક કહી શકાય. પણ એની પેટાકથા તરીકે વાત ભગવદ્ગીતાની કરવામાં આવે ત્યારે મહાભારતની સરળ વ્યાખ્યા હાંસિયામાં ધકેલાઈ જાય છે. જેટલી સરળતાથી મહાભારતની વ્યાખ્યા શક્ય છે સામે ભગવદ્ગીતાની વ્યાખ્યા એટલી જ ગૂઢ છે. અર્જુનને ઉપદેશ આપતી વખતે શ્રીકૃષ્ણના મનમાં કેવા ભાવો હતા તેના આધારે ભગવદ્ ગીતાનો સાર ઉપલબ્ધ ન હોવાથી તુંડે તુંડે મતિર્ભિન્નાની જેમ ગીતાનો વિવિધ સંપ્રદાયો પ્રમાણે અર્થ પણ બદલાતો રહ્યો છે. કેટલાક સાધુ, બાવા, મઠો, સંપ્રદાયો વગેરે ગીતાનો પોતાને અનુકૂળ આવે તેવો અર્થ તારવવા માંડ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે વર્ષોની પ્રતીક્ષા બાદ ભગવદ્ગીતાનું કૃષ્ણભાવ સ્વરૃપ ‘યથાર્થ ગીતા’ નામથી પુસ્તક, ઓડિયો કેસેટ-સીડી ઉપરાંત મોબાઈલ એપ સહિતના ફોર્મેટમાં ઉપલબ્ધ બન્યું છે.

યથાર્થ ગીતા ૨૯ ભાષામાં ઉપલબ્ધ
ઉત્તરપ્રદેશના શક્તેષગઢસ્થિત પરમહંસ આશ્રમના સ્વામી અડગડાનંદજીએ ‘યથાર્થ ગીતા’ તૈયાર કરી છે. જે હિંદી, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઉર્દુ, સંસ્કૃત, ઉડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અસમિયા સહિત ૧૩ જેટલી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, નેપાળી, સ્પેનિશ, નોર્વેજિયન, ચીની, ડચ, ઈટાલિયન, રશિયન, અરેબિક, પર્શિયન, પોર્ટુગીઝ, ઉર્દુ જેવી ૧૫ વિદેશી ભાષાઓમાં પણ પ્રાપ્ય છે. ઓડિયો કેસેટ્સમાં તે ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ મળે છે.

આ પુસ્તક લખવા પાછળનું ચોક્કસ કારણ યથાર્થ ગીતાની શરૂઆતમાં જ જણાવાયું છે. સ્વામી અડગડાનંદજી લખે છે, ‘શ્રીકૃષ્ણેે ગીતાનો ઉપદેશ આપ્યો એ વખતે એમના મનમાં કયા ભાવ હતા? મનના બધા ભાવ કહી શકાતા નથી. કેટલાક પૂર્ણપણે ક્રિયાત્મક છે. જેને પથિક ચાલીને જ જાણી શકે છે.શ્રીકૃષ્ણ જે સ્તર પર હતા, તે સ્તર સુધી ક્રમશઃ ચાલીને એ જ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષ જ જાણે છે કે ગીતા શું કહે છે. એ ગીતાનું પુનરાવર્તન જ નથી કરતા, પણ એમના ભાવ પણ દર્શાવે છે, કારણ કે જે દૃશ્ય શ્રીકૃષ્ણ સામે હતું એ જ વર્તમાન મહાપુરુષની સામે પણ હોય છે. મારા ગુરુ એ સ્તરના મહાપુરુષ હતા. તેમની વાણી તથા અંતઃપ્રેરણાથી ગીતાનો જે અર્થ મળ્યો તેનું જ સંકલન યથાર્થ ગીતા છે.’

મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને તે સમયે સારથી બનેલા શ્રીકૃષ્ણને રથ બંને સેનાની વચ્ચે લઈ જવાનું કહે છે. બંને તરફ દૃષ્ટિ ફેરવી વિહંગાવલોકન કરતી વખતે જ અર્જુનને યુદ્ધની ભયાનકતા અને લાખો લોકોનાં મોતનો ખ્યાલ આવી જાય છે. પરિણામોથી ગભરાઈને તે યુદ્ધ કરવાથી વિમુખ થવા પ્રયત્ન કરે છે. કોઈ માર્ગ ન સૂઝતા તે શ્રીકૃષ્ણનું માર્ગદર્શન માગે છે. મહાભારતના ભીષ્મ પર્વમાં વર્ણવાયેલો અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો ૧૮ અધ્યાયનો સંવાદ એ જ શ્રીમદ્ ભગવદ્ ગીતા. અને તેનું યથાર્થ ભાવે થયેલું નિરૃપણ તે ‘યથાર્થ ગીતા’ છે. ૨૯ ભાષાઓમાં ઉપલબ્ધ ‘યથાર્થ ગીતા’ની લોકપ્રિયતાનો ખ્યાલ એ બાબત પરથી જ આવી જાય છે કે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ પણ બંધારણીય હોદ્દા પરની વ્યક્તિ દ્વારા કોઈ રાજદ્વારી મહેમાનને શ્રીમદ્ ભગવદ્ગીતા ભેટમાં આપે ત્યારે યથાર્થ ગીતા જ અપાય છે. પછી તે ૨૩માંથી કોઈ પણ ભાષામાં હોઈ શકે છે.

મુસ્લિમ બિરાદરોને યથાર્થ ગીતા વહેંચાઈ
યથાર્થ ગીતાની ઉર્દુ આવૃત્તિનું આજકાલ અમદાવાદના એક યુવા ગ્રૂપને ઘેલું લાગ્યું છે. આ ગ્રૂપે યથાર્થ ગીતાની પાંચ હજાર કોપી શહેરના મુસ્લિમ બિરાદરોમાં વહેંચવાની શરૃઆત કરી છે. હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હિંદુ અને મુસ્લિમ ધર્મનો અનુક્રમે રથયાત્રા અને ઈદ ઉત્સવ એક જ દિવસે હોઈ આ ગ્રૂપનો પ્રયાસ કોમી એકતાની મિસાલ બની રહેશે. ગ્રૂપના સંચાલક આશિષભાઈ બારોટ કહે છે, “અમારો લક્ષ્યાંક અમદાવાદમાં યથાર્થ ગીતાની એક લાખ કોપી વહેંચવાનું છે. આ સેવાકાર્યની શરૃઆત અમે શહેરના મુસ્લિમ બિરાદરોથી કરી છે. અમે યથાર્થ ગીતાની ઉર્દુ આવૃત્તિની પાંચ હજાર નકલો શહેરના મુસ્લિમ બિરાદરોમાં ફ્રીમાં વહેંચી રહ્યા છીએ. યથાર્થ ગીતાની કુલ એક લાખ નકલો અમે શહેરભરમાં વહેંચવાના છીએ. જેમાં અમારી સાથે વધુ ને વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. આનાથી કોમી એખલાસની ભાવના વધુ મજબૂત બનશે. જરૃર પડશે તો વધુ નકલો મગાવવાની પણ અમારી તૈયારી છે.”

કુરાન-ગીતામાં ભાઈચારો, સદ્દભાવના કોમન
અમદાવાદના મુસ્લિમ વસતી ધરાવતા સરખેજ, જુહાપુરા, પાલડી, જમાલપુર વગેરે વિસ્તારોમાં આ ગ્રૂપ દ્વારા મુસ્લિમ બિરાદરોને વહેંચાયેલી યથાર્થ ગીતાની હકારાત્મક અસર પણ જોવા મળી રહી છે. કેટલાક મુસ્લિમ બિરાદરોએ માત્ર અભ્યાસ કરવા હેતુ યથાર્થ ગીતા વાંચવાની શરત કરેલી પરંતુ બાદમાં તેમાં રસ પડ્યો અને તેઓએ ધર્મની સમજ માટે યથાર્થ ગીતા વાંચવી શરૃ કરી છે. જુહાપુરાના અહેમદભાઈ શેખ કહે છે, “હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે હું કુરાનનું વાંચન કરી રહ્યો છું. આ દરમિયાન જ મારા હાથમાં યથાર્થ ગીતાની ઉર્દુ કોપી આવી છે. અગાઉ ગુજરાતીમાં ભગવદ ગીતા વાંચી છે. તેને કુરાન સાથે સરખાવતા ખ્યાલ આવે છે કે બંને ધર્મમાં કોઈનું અનિષ્ટ ન કરવાની, સત્ય બોલવાની સલાહ અપાયેલી છે.” ગીતામાં શ્રીકૃષ્ણ કર્મ કર્યે જા ફળની આશા ન રાખ. આવી જે વાત કરે છે તે કુરાનમાં પણ વણાયેલી છે.

કોઈ પણ ધર્મ માણસને વેર રાખવાનું નથી શીખવતો. ભાઈચારો, સદ્ભાવના કુરાન અને ગીતા બંનેમાં કોમન છે. સરખેજમાં રહેતા મુસ્તુફા મલેક યથાર્થ ગીતા વાંચીને તેનો મર્મ સમજાવતા કહે છે, “યથાર્થ ગીતા હોય કે કુરાન એક પણ ધર્મ માણસ-માણસ વચ્ચે ભેદભાવ રાખવાનું કહેતો નથી. એ જ રીતે બધા ધર્મો પણ સમાન છે. મુસ્લિમ બિરાદરો કુરાનનો મર્મ સમજી અલ્લાહ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે, તો હિંદુ ધર્મમાં યથાર્થ ગીતા વાંચીને ભગવાનને પામવા પ્રયત્ન થાય છે. છેવટે તો આપણે સૌ કુદરતના એક અંશમાત્ર છીએ.” મુસ્તુફાભાઈ તેમના એક હિંદુ મિત્ર પાસેથી ગીતાના પાઠ શીખ્યા છે. તેમના મિત્ર તેમના ઘેર જઈને ગીતાનો ભાવાર્થ સમજાવતા હતા. તેમનાં બાને યથાર્થ ગીતાનો સાર સારી રીતે સમજમાં આવે છે. આમ, આ યુવા ગ્રૂપનો નાનકડો પ્રયાસ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચેની ખાઈને પૂરવામાં આંશિક રીતે પણ ચોક્કસ સફળ થયો છે.

‘યથાર્થ ગીતા એપ’ પણ ઉપલબ્ધ
યથાર્થ ગીતાનું ડિજિટલ સ્વરૃપ મજા કરાવે તેવું છે. જેમાં યથાર્થ ગીતા વિવિધ સ્વરૃપે ઉપલબ્ધ છે. અહીં યથાર્થ ગીતા વાંચવાની સાથે સાંભળી પણ શકાય તેવી વ્યવસ્થા છે. એપની અંદર જ રેડિયો, અન્ય બુક્સ ઉપરાંત યથાર્થ ગીતાને લગતાં અન્ય નોટિફિકેશન પણ મળતાં રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તમે ચાહો તો યથાર્થ ગીતાનો કોઈ ભાગ ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ, ઈન્સ્ટાગ્રામ સહિત નવ જેટલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર પણ કરી શકો છો.

અહીં ગીતાના તમામ ૧૮ અધ્યાય વિવિધ ૧૧ ભાષાઓમાં ઓનલાઈન સાંભળી શકાય છે. ડિજિટલ યુગમાં યથાર્થ ગીતા એપ ખાસ કરીને અંધ વ્યક્તિ અને બાળકો માટે ઉપયોગી સાબિત થાય તેમ છે. હાલ જે રીતે અમદાવાદ શહેરના યુવાનોએ યથાર્થ ગીતાને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે તે જોતાં આગામી દિવસોમાં યથાર્થ ગીતા અન્ય શહેરોમાં પણ લોકપ્રિય બને તો નવાઈ નહીં. હાલ જ્યારે રથયાત્રા અને ત્યારબાદ જન્માષ્ટમીનો તહેવાર રાહ જોઈને બેઠો છે તે જોતાં યથાર્થ ગીતા આગામી દિવસોમાં વધુ લોકપ્રિય બનશે તે નક્કી છે.

નરેશ મકવાણા

You might also like