પાકથી પરત ફરેલી ગીતા ૩૦ યુવકમાંથી જીવનસાથી પસંદ કરશે

ઈન્દોર: પાકિસ્તાનથી પરત ફરેલી મૂક -બધિર ગીતાના પરિવારજનોની ભાળ નહિ મળતાં હવે વિદેશ મંત્રાલય તરફથી ગીતાનાં લગ્ન કરાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે વિદશ મંત્રાલયને મળેલા ૩૦ જેટલા યુવકોના બાયોડેટાની ગીતા ખુદ ચકાસણી કરી તેમાંથી તે તેનો જીવનસાથી પસંદ કરે તે માટે હાલ તૈયારી કરવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયના આદેશથી ગીતા અઢી વર્ષથી ઈન્દોરના મૂક બધિર સંગઠનમાં રહે છે. આ દરમિયાન ગીતાના પરિવારજનો અંગે કોઈ માહિતી ન મળતાં હવે તેના લગ્ન કરાવવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. જેમાં ફેસબુક દ્વારા ગીતાનાં લગ્ન માટે સારા પાત્રની શોધ માટે પોસ્ટ શેર કરવામા આવી હતી.

જેમાં વિવિધ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં લગભગ ૫૦ બાયોડેટા મળ્યા છે. જોકે આ જાહેરાતમાં વર પણ મૂક બધિર જ હોવાની શરત રાખવામાં આવતાં માત્ર ૩૦ બાયોડેટા પસંદ કરવામા આવ્યા છે તેથી ગીતા આ ૩૦ બાયોડેટાના આધારે જ તેના જીવનસાથીની પસંદગી કરશે. જેમાં સાંકેતિક ભાષાના નિષ્ણાત જ્ઞાનેન્દ્ર અને મોનિકા પુરોહિતની હાજરીમાં અધિકારી ઓદ્વારા ગીતાને બાયોડેટા દર્શાવવામાં આ‍વશે અને તેના આધારે જ ગીતા તેના માટે સારા પાત્રની શોધ કરી શકશે.જોકે આ જાહેરાત બાદ કેટલાક આધેડ અને બેકાર લોકોએ પણ બાયોડેટા મોકલ્યા હતા પણ તેમાંથી મોટાભાગની અરજી રદ કરાઈ છે.

You might also like