GDCR સામે વાંધા સૂચનો માટે માત્ર એક મહિનાનો જ સમય કેમ?

અમદાવાદ: સમગ્ર રાજ્યનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે ૧૬ જૂનથી બાંધકામના સમાન નિયમો (કોમન જીડીસીઆર) ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ માટે સરકારે મંજૂરી આપી દીધી છે. પરંતુ સરકારના જ આ નિર્ણયનો જીડીસીઆરના કાયદામાં ભંગ થતો હોઇને ક્રેડાઇ સહિતના એસોસિએશને સરકારમાં ઉગ્ર રજૂઆત કરી છે. ૧૬ જુલાઇના રોજ આ મુદ્દત પૂરી થતાં ક્રેડાઇ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. વાંધા સૂચનો રજૂ કરવા માટે કાયદા મુજબ ૧૬ ઓગસ્ટ સુધીનો બે માસનો સમય વધારી આપવામાં આવે.

સરકારના કોમન જીડીસીઆરમાં જણાવેલા નિર્ણય મુજબના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ (જીડીસીઆર) ૧૯૭૬ની કલમ ૧૬૬ ક(૧) અનુસાર બધા જ ડેવલપમેન્ટ પ્લાનના જીડીસીઆરને બદલવા માટેના વાંધા સૂચનોનો સ્વીકાર કરવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે કાયદાની કલમ ધ્યાને લેતાં ૧૧૬-એ(૧) મુજબ કાયદામાં બે મહિનાનો સમય આપવાની જોગવાઇ કરેલી છે. આમ સરકારે બનાવેલા કાયદા અને સરકારે તાજેતરમાં જાહેર કરેલુ નોટિફિકેશન વિરોધાભાસી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હવે કોમન જીડીસીઆર જાહેર કરાયો છે. જેના અમલથી હવે ટીપી સ્ક્રીમ હેઠળના વિસ્તારો અને નોનટીપી વિસ્તારોનાં પબ્લિક પર્પઝની જમીનોમાં વધુ પાંચ ટકા કપાત થશે. જે કપાત અત્યાર સુધી ૩પ ટકા હતી તેમાં પાંચ ટકાનો વધારો થતાં હવે ૪૦ ટકા જમીન કપાત કરાશે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડાના જીડીસીઆરને આદેશ માનીને તે પ્રમાણે રાજ્યનો કોમન જીડીસીઆર બનાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી ૧પ મીટરની પહોળાઇના રોડ ઉપર હાઇરાઇઝ બિલ્ડિંગની મંજૂરી હતી પરંતુ નવા જીડીસીઆર અનુસાર હવે ૧૮ મીટર એટલે કે ૬૦ ફુટ પહોળા રોડ ઉપર જ હાઇરાઇઝ બિલ્ડિંગની પરવાનગી મળશે. રાજકોટ-વડોદરા સુરત વગેરે જગ્યાઓએ ૬૦ ફુટ પહોળા રોડ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. જ્યાં મોટા ભાગની ઓથોરિટી છે ત્યાં મોટા ભાગના રસ્તાઓ ૧પ મીટરની પહોળાઇના છે. આ મામલે પણ વડોદરાની ઓથોરિટીએ ગઇ કાલે સરકારમાં વાંધા સૂચન રજૂ કરી દીધાં છે.

કોમન જીડીસીઆરની કેટલીક બાબતો ટાઉન પ્લાનિંગ એકટ સાથે મેળ ખાતી નહીં હોવા ઉપરાંત દરેક જિલ્લા કે ઓથોરિટીની ભૌગોલિક રચના એક સરખી નહીં હોવાથી જે તે મહાનગરપાલિકાના વિકાસને નુકસાન પહોંચે તે માટે સરકારે જાહેર કરેલા કોમન જીડીસીઆરના નોટિફિકેશનમાં ફેરફાર કરવા માટે ક્રેડાઇએ રજૂઆત કરી છે.

અા અંગે ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શરીફભાઈ મેમણે જણાવ્યું હતું કે અમે ગઈકાલે ક્રેડાઈ તરફથી નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલને રજૂઅાત કરી છે તેમણે અા બાબતે હકારાત્મક વલણ લેવા માટે કહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like