ગેંગરેપ આરોપી ગાયત્રી પ્રજાપતિનો પાસપોર્ટ રદ્દ : લુકઆઉટ નોટિસ

લખનઉ : ગેંગરેપ આરોપી ગાયત્રી પ્રજાપતિને વિદેશ ભાગતી અટકાવવા માટે તેમનો પાસપોર્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગાયત્રી પ્રજાપતિનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવા માટે શનિવારે પણ પાસપોર્ટ ઓફીસ ખોલાવવામાં આવી. ગાયત્રી વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ બહાર પાડી દેવામાં આવી છે. એક રીતે ગાયત્રીનાં વિદેશ ભાગવનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ પોસ્કો કોર્ટ દ્વારા સ્પેશ્યલ જજ લક્ષ્મીકાંત રાઠોડે શિવારે ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યો છે. પોલીસે ગાયત્રી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ મેળવવા કોર્ટ પહોચ્યા હતા. પોલીસે કાનપુરમાં પણ દરોડા પાડ્યા હતા.

અગાઉ ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે પ્રજાપતિ નેપાળ અથવા દુબઇ ભાગવાની ફિરાકમાં છે. ઉલ્લે્ખનીય છેકે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ બાદ પ્રજાપતી અને છ અન્ય આરોપી વિરુદ્ધ 18 ફેબ્રુઆરીએ ગેંગ રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગાયત્રી પ્રજાપતિ અમેઠીમાંથી સપાનો ઉમેદવાર છે. યૂપી વિધાનસભા ચૂંટણીનાં પાંચમા ચરણમાં અમેઠીમાં મતદાન કરીને પ્રજાપતિ ગાયબ થઇ ગયો હતો. પ્રજાપતિ ફરાર થવાની આશંકા વચ્ચે એરપોર્ટ અને એક્ઝિટ પોઇન્ટ પર એલર્ટ કરી દેવાયું છે. ઇમિગ્રેશન અને અન્ય દળોને પણ એલર્ટ કરી દેવાયા છે. અખિલેશે શુક્રવારે આ મુદ્દે મૌન તોડતા કહ્યું કે સરકાર તપાસમાં સંપુર્ણ સહયોગ આપી રહી છે.

You might also like