સંતાન, લક્ષ્મી, બુદ્ધિ, યશ અને સુખ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્ર

સર્વ દેવ દેવીઓમાં ગાયત્રીને સર્વોપરી આદ્યશક્તિ માનવામાં આવી છે. ગાયત્રીનું ધ્યાન, સ્તોત્ર, ગાયત્રી મંત્ર જાપ નિત્ય કરનાર સાધકનું રક્ષણ થાય છે. મન, બુદ્ધિ નિર્મળ થાય છે. અનેકનાં અંતઃકરણ જાપથી પવિત્ર થયાં છે. ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે.
ૐ ભૂઃ ભૂવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યમ ।
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ૐ ।।
ગાયત્રી મંત્રનો જાપ અને અનુષ્ઠાન એ ખાસ તો બુદ્ધિને શુદ્ધ, તેજસ્વી અને ઉન્નત કરનાર મંત્ર છે. દરિદ્રતા, દેવું, બેકારી, વધતા જતા ખર્ચ વગેરેની ચિંતામાંથી મુક્તિ મેળવવા ગાયત્રીની સાધના કરવી. જે મનુષ્યને ઘેર સંતાન થતાં ન હોય, રોગી રહેતા હોય તથા પુત્ર જન્મ માટે ગાયત્રી મંત્રની આરાધના કરવી. ભૂત પ્રેતની શાંતિ માટે ગાયત્રી હવન શ્રેષ્ઠ ઉપાય છે.

સવારે સ્નાન વગેરેથી પરવારી પૂર્વ દિશા તરફ મુખ રાખીને અડધા ખુલ્લા નેત્ર વડે સૂર્યનું દર્શન કરતાં ગાયત્રી મંત્રનો જાપ કરવો. ઓછામાં ઓછી એક માળા ૧૦૮ મંત્રનો અવશ્ય જાપ કરવો. પછી બંને હાથની હથેળીનો ભાગ સૂર્ય સામે એવી રીતે ધરવો કે જાણે અગ્નિ પર તાપતા હોઇએ.

એ સ્થિતિમાં બાર વખત ગાયત્રી મંત્રનો જાપ કરીને બંને હથેળીઓ એકત્ર કરીને મસળવી અને ગરમ થયેલી હથેળીઓને મુખ, નાક, નેત્ર, કાન, મસ્તક વગેરે સમસ્ત શિરોભાગ ઉપર ફેરવવી. ગાયત્રી મંત્રની વિધિ વ્યક્તિ પોતાની શુભ મનોકામના પૂર્ણ કરવાના ઉદ્દેશથી કરી શકે છે. શત્રુ, ભય,કોર્ટ કચેરીમાં વિજય, સર્વિસમાં પ્રમોશન કે ધારેલી જગ્યાએ બદલી, રોગ નાશ, લગ્ન વિલંબ કે અશુભ ગ્રહોની દુષ્ટ દૃષ્ટિથી સુરક્ષિત રહેવા માટેનો ખૂબ સુંદર ચમત્કારિક પ્રયોગ છે. વ્યક્તિને પોતાનાં ઘરમાં પણ એકાકી જગ્યાએ જપ અનુષ્ઠાન કરવામાં બાધ નથી. ૨૧ દિવસનાં આ અનુષ્ઠાન દરમિયાન વ્યક્તિએ મન કર્મ વચનથી બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. શક્ય હોય તો લાલ કે પીળું પીતામ્બર પહેરવું. વાળ કે નખ ન કાપવા. જપનો સમય વહેલી સવારે ચાર વાગ્યે અથવા રાત્રે અગિયાર બાદનો રાખવો.

ગાયત્રી પંચમુખી અનુષ્ઠાનઃ ગાયત્રી દેવી પંચમુખી કહેવાય છે. (૧) ૐ (૨) ભૂર્ભૂવઃ સ્વઃ (૩) તત્સવિતુર્વરેણ્યમ (૪) ભર્ગોદેવસ્ય ધીમહિ (૫) ધિયો યોનઃ પ્રચોયદયાત. યજ્ઞોપવીત જનોઇના પાંચ વિભાગ છે. ત્રણ સૂત્રોના ત્રણ. ચોથાે મધ્યગ્રંથિ અને મધ્યગ્રંથિ. ગાયત્રીના પાંચ મુખ્ય દેવતાઓ જાણીતા છે. ૐ ગણેશ, ભવાની અને પ્રથમ ચરણ બ્રહ્મ. દ્વિતીય ચરણ વિષ્ણુ. તૃતીય ચરણ મહેશ એમ કુલ પાંચ દેવતાઓ ગાયત્રીના પાંચ મુખ્ય શક્તિ સમૂહો ગણી શકાય. પ્રકૃતિનાં પાંચ તત્ત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જીવનના પાંચ કોષો તે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિતલમય કોષ, આનંદમય કોષ. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ ચૈતન્ય (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા) વગેરે પણ પાંચની સંખ્યા છે. દરરોજ ૨૪ માળાઓનો જાપ કરવો. ૨૪ માળા કરવાથી દરરોજ ૨૫૯૨ મંત્ર જાપ થશે. તો દરરોજ ૨૧ કે ૩૧ માળા ગાયત્રી ચાલીસાનો પાઠ કરીને નવરાત્રિ અનુષ્ઠાન કરી શકાય. છેલ્લે દિવસે ૧૦૮ ગાયત્રી મંત્રનો હવન કરવો.•

You might also like