ગયા રોડ રેજઃ એરેસ્ટ વોરંટ બાદ રોકીનાં માતા મનોરમાદેવી ફરાર

પટણા: ગયા રોડ રેજ કેસના આરોપી અને પોતાના પુત્ર રોકી યાદવને બચાવવાના આરોપસર જનતા દળ (યુ)માંથી હકાલપટ્ટી કરાયેલા ધારાસભ્ય મનોરમાદેવી પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે. મનોરમાદેવી વિરુદ્ધ બિહાર સરકારે દારૂબંધીના કાયદાનો ભંગ કરવાના આરોપમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે અને આ વોરંટ જારી કર્યા બાદ મનોરમાદેવી ફરાર થઈ ગયાં છે. એકસાઈઝ વિભાગે તેમનું નિવાસસ્થાન પણ સીલ કરી દીધું છે.

ગયા રોડ રેજ કેસના આરોપી રોકી યાદવનાં માતા અને જનતા દળ (યુ)નાં ધારાસભ્ય મનોરમાદેવી વિરુદ્ધ બિહાર સરકારે ધરપકડનું વોરંટ જારી કર્યું છે. જદયુના પ્રદેશ પ્રમુખ વશિષ્ઠ નારાયણસિંહે જણાવ્યું હતું કે મનોરમાદેવીના ઘરે દારૂની બોટલો મળી આવી છે. જે રાજ્યમાં અમલમાં મુકાયેલ દારૂબંધીના કાયદાની વિરુદ્ધ છે. મનોરમાદેવીએ દારૂબંધીના કાયદાનો ભંગ કર્યો છે.

આ ઉપરાંત મનોરમાદેવીને જનતા દળ (યુ)માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વશિષ્ઠ નારાયણસિંહે જણાવ્યું હતું કે મનોરમાદેવીને ત્યાં શરાબ મળી આવ્યા અંગે તેમનો ખુલાસો માગવામાં આવ્યો છે અને તેમનો જવાબ મળ્યા બાદ પક્ષ તેમની વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મનોરમાદેવીના પુત્ર રોકી યાદવની ગયામાં આદિત્ય સચદેવ નામના યુવાનની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પતિ બિંદી યાદવની પણ ધરપકડ કરાઈ છે અને તેમને અદાલતી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. રોકી યાદવ માટે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં પોલીસે જ્યારે મનોરમાદેવીના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમના ઘરેથી દારૂની બોટલો મળી આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે ૫ એપ્રિલથી રાજ્યમાં સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ કરી દીધો છે અને એક વિધાનસભ્યને ત્યાંથી દારૂની બોટલ મળવાની ઘટનાને જનતા દળ (યુ) દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મનોરમાદેવીના નિવાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી.

રોકી યાદવનો શસ્ત્ર પ્રેમ ફેસબુક પર દેખાય છે
ગયા રોડ રેજના આરોપી રોકી યાદવને શસ્ત્રો પ્રત્યે ખાસ લગાવ હતો. રાકેશ રંજન યાદવના નામથી રોકીનો ફેસબુક પ્રોફાઈલ છે. આ પ્રોફાઈલ પર નજર કરતાં સ્પષ્ટ થાય છે કે રોકી જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે તેને શસ્ત્રો સાથે ખાસ લગાવ હતો. ૧૧ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ રોકીએ ફેસબુક પ્રોફાઈલમાં પોતાની એક તસવીર અપલોડ કરી હતી. આ તસવીરમાં રોકી બ્લુ ટીશર્ટ અને ટાઉઝરમાં નજરે પડે છે. તસવીર પર અંગ્રેજીમાં કેપ્શન છે. ‘ટેસ્ટિંગ ધ ન્યૂ વન’ તસવીરમાં તેના હાથમાં પિસ્તોલ અને રિવોલ્વર નજરે પડે છે.

You might also like