ગયારોડરેજ કેસ : પોલીસની ભૂંડી ભુમિકા પરિવારની સીબીઆઇ તપાસની માંગ

પટના : બિહારનાં ગયા જિલ્લામાં ગત્ત 6-7 મેનાં રોજ રાત્રે આદિત્ય કુમાર સચદેવા નામનાં યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેનાં પગલે પરિવાર દ્વારા ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસ સફાળી જાગી છે. પોલીસે રસ્તા પરથી મળેલા આદિત્યનાં લોહીથી ખરડાયેલા કપડાને હવે ફોરેન્સિક તપાસાર્થે મોકલી આપ્યા છે. આદિત્યનાં કપડા પોસ્ટમોર્ટમ રૂમની નજીક આવેલા રોડ પરથી મળ્યા હતા. આદિત્યનાં પરિવારજનો આ કપડા પોતાનાં ઘરે લઇ ગયા હતા. જે વાત પોલીસની જાણકારીમાં આવ્યા બાદ કપડાને તપાસ માટે મોકલી અપાયા છે.

જ્યારે આદિત્યનાં લોહીથી ખરડાયેલા કપડા રસ્તે રઝળતા જોયા ત્યારે તેનાં પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. ચંદા સચદેવાએ કહ્યુ કે તેનો પોલીસ પરથી ભરોસો ઉઠી ગયો છે. તેમણે પુત્રનાં મોતની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરાવી હતી. તે અગાઉ એફઆઇઆર નોંધવામાં પણ બે દિવસ જેટલો સમય લગાવવામાં આવ્યો હતો. પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળ્યો હતો અને ત્યાર બાદ તેનાં કપડા રોડ પર ફેંકી દેવાયાની ઘટના બની હતી. જેનાં પગલે તેનાં પરિવારને પોલીસની મીલીભગત હોવાનો વિશ્વાસ થઇ ગયો હતો.

આ અંગે તેનાં પરિવારે જણાવ્યું કે જે પ્રકારે તપાસમાં લાલીયાવાડી થઇ રહી છે. જે પ્રકારે સમગ્ર અપરાધ પર ઢાંકપીછોડા થઇ રહ્યા છે તેનાં કારણે બિહાર પોલીસ પર મારો ભરોસો ઉઠી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાધારી પાર્ટી જેડીયુની પાર્ષદ મનોરમા દેવીનાં પુત્ર રાકેશ રંજન યાદવ ઉર્ફે રોકી યાદવ પર આદિત્યને ગોળીમારવાનો આરોપ છે. પોલીસે સ્પીડી ટ્રાયલ કરાવીને સજા અપાવવા માટેનું વચન આપ્યું છે.

You might also like