ગે સેક્સ મામલો સુપ્રીમની બંધારણીય બેન્ચનાં હવાલે

નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ધટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ને લઇને મહત્વનો આદેશ કર્યો હતો જેના ભાગરુપે સુપ્રીમે કલમ ૩૭૭ અંગેની અરજીને પાંચ સભ્યોની બંધારણીય બેંચને સોંપી દીધી હતી. સુપ્રીમની પાંચ સભ્યોની બેંચ હવે વિકટોરિયા યુગના કાયદાની કાયદેસરતાના સંદર્ભમાં ફેંસલો કરશે જેમાં સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણવાને લઇને સ્પષ્ટ વાત કરવામાં આવી છે.

કલમ ૩૭૭ હેઠળ સ્વૈચ્છિક રીતે બે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સેકસ સંબંધો સ્થાપિત કરવાને અપરાધની શ્રેણીમાં મુકવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી વિચારણા કરવા પર દાખલ કરવામાં આવેલી સુધારાત્મક અરજીને સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની બંધારણીય બેંચનેસોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે અગાઉ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ને વાંચી હતી જેમાં કોઇપણ પ્રકારના પુખ્તવયના મંજૂરીથી વર્તનની બાદબાકી કરવાની વાત કરાઈ હતી.

પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દઇને કડક આદેશ કર્યો હતો. ત્યારબાદથી કોર્ટે સમીક્ષા અરજીઓને ફગાવી હતી પરંતુ આજે સુપ્રીમ કોર્ટે સેકસ સંબંધો જેવા મુદ્દાઓને અપરાધ મુકત કરી શકાય છે કે કેમ તેને લઇને સુનાવણી કરવા સહમતિ દર્શાવી હતી. ચીફ જસ્ટિસ તિરથસિંહ ઠાકુર, જસ્ટિસ એઆર દવે અને જસ્ટિસ જેએસ ખેહરની બનેલી ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે, આ મામલામાં બંધારણ સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા સામેલ છે.

જેથી આને પાંચ સભ્યોની બંધારણીય બેંચ સમક્ષ સોંપી દેવામાં આવે તે બાબત વધારે યોગ્ય રહેશે. બંધારણીય બેંચને મામલો સોંપવામાં આવ્યા બાદ સજાતિય સંબંધવાળા લોકોમાં રાહત જોવા મળી હતી.

બેંચે કહ્યું હતું કે, પાંચ સભ્યોની બંધારણીય બેંચની રચના હવે કરવામાં આવશે. આ બેંચે એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ૧૧મી ડિસેમ્બર ૨૦૧૩ના ચુકાદા અને ફેરવિચારણા અરજી ઉપર ફરીથી વિચાર કરવા માટે આઠ સુધારાત્મક અરજીઓ દાખલ કરવામાં આવી છે.

કલમ ૩૭૭ હેઠળ બિનકુદરતીસેકસ સંબંધોને અપરાધની શ્રેણીથી બહાર કરવા સંબંધિત દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દેવામાં આવ્યો હતો. પીઠને એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, ચાર્ચેજ ઓફ નોર્થેન ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સજાતિય સંબંધો મામલે સ્પષ્ટ વલણ ધરાવે છે. આ બંને સજાતિય સંબંધોને અપરાધની શ્રેણીથી બહાર રાખવાનો વિરોધ કરે છે.

આ મામલાની સુનાવણી શરૂ થતાંની સાથે જ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૭ને અપરાધની શ્રેણીથી બહાર રાખવાની તરફેણ કરનાર વકીલોમાંથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ ખૂબ જ મોટા બંધારણીય મુદ્દા સાથે સંબંધિત છે. સિબ્બલે કહ્યું હતું કે, આ મામલો અંગત અને જીવનના ખુબ જ મૂલ્યવાન હિસ્સા તથા બંધ રુમની અંદર સંબંધોના અધિકાર સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી વર્તમાન અને ભાવિ પેઢીને અસર થઇ છે.

માનવીય સંબંધોને કલંકિત કરવાના પ્રયાસો થવા જોઇએ નહીં. આ સમાચારથી સજાતિય સંબંધો ધરાવતા લોકો માટે નવી આશા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧મી ડિસેમ્બર ૨૦૧૩ના દિવસે સુપ્રીમકોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિન્હરૂપી ચુકાદો આપતા સજાતીય સંબંધોને અપરાધ તરીકે ગણવાનો ફેંસલો કર્યો હતો. સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં એમ પણ કહ્યુ હતુ કે જો કોઈ વ્યકિત સજાતીય સંબંધો બાંધે છે તો તે ગુના સમાન રહેશે અને આમા માટે કઠોર સજાની જોગવાઈ રહેશે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના અગાઉના ચુકાદાને ફગાવી દઈને આ દૂરદર્શી ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમના ચુકાદાની સાથે જ સજાતીય સંબંધોને અપરાધ તરીકે ગણાવતા આ પ્રકારના સંબંધો ધરાવતા મોટી સંખ્યાના લોકોને મોટો ફટકો પડયો હતો.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દઈને સજાતીય સંબંધોને અપરાધ તરીકે ઠેરવતા ખળભળાટ મચી ગયો હતો. જુલાઈ ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે કલમ ૩૭૭ આઈપીસીમાં સજાતીય સંબંધોને અપરાધની કેટેગરીમાંથી દૂર કરી દેતાં તેને લઈને કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા શરૂ થઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આજે ૨૦૦૯ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો.

You might also like