ગે પરેડમાં હાજર રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહના મુખે સાંભળો સમગ્ર ઘટનાનો ચિતાર

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઓર્લાન્ડોની સમલૈંગિક નાઈટ ક્લબ પર થયેલા આતંકી હુમલામાં ૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા તો બીજી બાજુ લોસ એન્જલસમાં યોજાયેલી સમલૈંગિકોની પરેડ પરના સંભવિત હુમલાને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. લોસ એન્જલસ ખાતે યોજાયેલી આ પરેડમાં વડોદરા નજીકના રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ પણ હાજર હતા.

માનવેન્દ્રસિંહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ઓર્લાન્ડોની ક્લબ પર હુમલો કરનાર ઓમર મતીન હોમોફો‌બિક હોઈ શકે છે. હું લોસ એન્જલસ ખાતેની સમલૈંગિકોની પરેડમાં ભાગ લેવા ગયો ત્યારે ત્યાં પણ એક શંકાસ્પદ હુમલાખોરને શસ્ત્રો સાથે ઝડપી લઈને પોલીસે ગે પરેડ પરના એક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

પોલીસે લોસ એન્જલસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની કારમાં શસ્ત્રો અને બોમ્બ બનાવવાની સામગ્રી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલ શખસ લોસ એન્જલસમાં આયોજિત ગે પરેડમાં હુમલો કરવા માગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિયાનાનો રહેવાસી ૨૦ વર્ષનો જેમ્સ હોવેલ રવિવારે સેન્ટા મોનિકા પાસેથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની કારની તલાસી લેતાં તેમાં અનેક શસ્ત્રો, દારુગોળો અને બોમ્બ બનાવવાની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

માનવેન્દ્રસિંહે આ ઘટના અંગે જણાવ્યું હતું કે હું એક ભારતીય છું અને ગે છું. ભારત સહિષ્ણુ દેશ છે. ભારતમાં ભલે સમલૈંગિકોને સંપૂર્ણ હક ન મળ્યા હોય, પરંતુ સમલૈંગિકો અમેરિકા કરતાં ભારતમાં વધુ સુરક્ષિત છે.

You might also like