ગૌતમ ઋષિની અદ્દભૂત શક્તિ

ગૌતમ ઋષિને બ્રાહ્મણ માહાત્મ્ય સંબંધી અત્રિની જોડે, નદીના મહાત્મ્ય સંબંધી અંગિરસ સાથે અને માબાપના ઋણમાંથી શી રીતે છુટાય એ સંબંધી યમની સાથે સંવાદ થયો હતો. તે ઉત્તંગ કે ઉદંક ઋષિના સસરા થાય. એક વખત પંદર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ. આથી દુકાળ પડતાં સંખ્યાબંધ માણસો મરવા લાગ્યાં. ભૂખથી પીડાતાં માણસો પશુઓને, બાળકોને અને મડદાંઓને પણ ખાતાં. આ વખતે બ્રાહ્મણોએ વિચાર કર્યો કે, ગૌતમ મુનિ મહાતપસ્વી છે, આપણને તે મદદ કરશે. વળી તેમના આશ્રમમાં સુકાળ છે એમ સંભળાય છે. આમ વિચાર કરીને બ્રાહ્મણો અગ્નિહોત્ર, કુટુંબ, ગાયો અને દાસ દાસીઓને લઈ ગૌતમના આશ્રમમાં ગયા. આ બધા બ્રાહ્મણોને આવતા જોઈ ગૌતમે તેઓને પ્રણામ કર્યા અને તેમને અભય આપ્યું. ગૌતમે પછી ગાયત્રીની પ્રાર્થના કરતાં ગાયત્રી દેવીએ ગૌતમને પ્રત્યક્ષ દર્શન દઈને એક પૂર્ણપાત્ર આપ્યું. તે પાત્રમાંથી અન્ન, ખડ, વસ્ત્ર, યજ્ઞના સાધનરૂપ પદાર્થો વગેરે ઢગલાબંધ વસ્તુઓ અને ગાયો, ભેંસો વગેરે પશુઓ પણ નીકળ્યાં. ગૌતમે બધા બ્રાહ્મણોને બોલાવી આ વહેંચી આપ્યું. બ્રાહ્મણો ગૌતમનાં વખાણ કરવા લાગ્યા. આ પ્રમાણે ગૌતમે બાર વર્ષ સુધી બ્રાહ્મણોનું પાલન કર્યું.
તેમણે એ સ્થળમાં ગાયત્રીનું ઉત્તમ સ્થાન કર્યું હતું, ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણો પુરશ્ચરણો કરતા. ગાયત્રી દેવી પણ ત્યાં સવારે બાળા, બપોરે યુવાન અને સાયંકાળે વૃદ્ધારૂપે દર્શન આપતાં. એક વખતે ઇંદ્ર સ્વર્ગમાં મુનિઓના પોષણ સંબંધી વાતો કરતાં ગૌતમની સર્વોત્તમ કીર્તિ ગાઈ. તે સાંભળી નારદ ગૌતમ ઋષિના આશ્રમે તેમનાં દર્શન કરવા આવ્યા અને ઇંદ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. પછી આશ્રમ જોઈ ગાયત્રીનાં દર્શન કરી ત્યાંથી વિદાય થયા. આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ગૌતમની કીર્તિ સાંભળી. આથી તેમને દ્વેષ આવ્યો અને તેમણે વિચાર કર્યો કે, દુકાળ માટે અને ઇષ્ટ થાય ત્યારે આપણે ગૌતમની કીર્તિ સર્વથા ન રહે તેમ કરવું. કાળે કરીને વૃષ્ટિ થઈ અને સઘળા દેશોમાં ઇષ્ટ થયો. એ વખતે બ્રાહ્મણોઓએ એક ઘરડી અને તરત મરી જાય એવી ગાય બનાવી. ગૌતમ મુનિ યજ્ઞ કરતા હતા તે વખતે ગાય અગ્નિશાળામાં જતાં ગૌતમે હું હું એમ કહી એને અટકાવી. પેલી ગાય ત્યાં જ પડી મરી ગઇ. બ્રાહ્મણોએ
કોલાહલ મચાવ્યો કે ગૌતમે ગાય મારી. ગૌતમે યજ્ઞ કરી રહ્યા પછી નેત્ર મીંચીને જોતાં બ્રાહ્મણોનું આ સઘળું કપટ જાણ્યું. તેમને ઘણો ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણોને શાપ આપ્યો. આ શાપથી બ્રાહ્મણો પોતાની વિદ્યા ભૂલી ગયા અને અધમ સ્થિતિમાં આવી પડ્યા. તેઓ ગૌતમને શરણે જઈ ક્ષમા માગવા લાગ્યા. ગૌતમે તેમને ગાયત્રી દેવીનું સેવન કરવાનું કહ્યું. વળી તેમણે શાપનો અનુગ્રહ કર્યો કે, કળિયુગમાં તમે નરકમાંથી નીકળી પુનર્જન્મ લેશો. •

You might also like