સમયનું ચક્ર બદલાયુંઃ જેની સામે આંખો કાઢી હતી, એના જ આદેશ માનવા પડશે

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ક્યારે સમય બદલાઈ જાય છે એની જાણ કોઈને હોતી નથી. ઉતાર-ચડાવની આ રમતમાં નસીબ જાતજાતના રંગ દેખાડે છે. આનું સૌથી તાજું ઉદાહરણ એ છે કે ટીમ ઇન્ડિયામાં એક એવો ફેરફાર થયો, જેના પર હવે બધાંની નજર ટકેલી રહેશે. વાત ત્રણ વર્ષ જૂની છે. ૨૦૧૩ની આઇપીએલની સિઝનમાં કેકેઆરઅને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની એ મેચ ચાલી રહી હતી.

સામસામે હતા બંને ટીમના કેપ્ટન – ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી. નાઇટ રાઇડર્સના બોલર બાલાજીએ વિરાટની વિકેટ ઝડપી અને ગુસ્સામાં વિરાટ પેવેલિયન તરફ ચાલતો થયો. એ જ વખતે ત્યાં નજીકમાં ઊભેલાે ગૌતમ ગંભીર કંઈ બોલ્યો અને વિરાટ ભૂલી ગયો કે ગૌતમ એનાથી સિનિયર છે. વિરાટ આગળ વધ્યો અને ગંભીર સાથે ઝઘડવા માંડ્યો. ગંભીર પણ જરાય પાછો પડે એવો નહોતો. તે પણ વિરાટ તરફ આગળ વધ્યો. સાથી ખેલાડીઓએ બંનેને અલગ પાડ્યા, નહીંતર એ દિવસે બંને એટલા ગુસ્સામાં હતા કે કંઈક ન બનવાનું બની ગયું હોત.

સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ અને હવે દૃશ્ય કંઈક અલગ જ છે. બે વર્ષ બાદ આખરે ટીમ ઇન્ડિયામાં ગૌતમ ગંભીરની પસંદગી થઈ છે. ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં ઊતરનારી ભારતીય ટીમમાં ગંભીર હવે સૌથી સિનિયર ખેલાડી હશે, પરંતુ તેણે વિરાટની કેપ્ટનશિપમાં રમવું પડશે. બે વર્ષ પહેલાં જ્યારે ગંભીર ટીમમાં હતો ત્યારે ધોનીના નેતૃત્વમાં રમી રહ્યો હતો, પરંતુ હવે તેને મેદાન પર જેની સાથે ઝઘડ્યો હતો એ વિરાટ કોહલીના જ આદેશ માનવા પડશે. આશા રાખીએ કે આઇપીએલ જેવી કોઈ ઘટના ફરીથી ના બને.

ગંભીરનો વિરોધ કોઈ કેપ્ટને કર્યો નહોતોઃ સંદીપ પાટીલ
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે અંતિમ વાર ટીમ પસંદ કરનારા ભૂતપૂર્વ સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું કે તેના કાર્યકાળનાં ચાર વર્ષ દરમિયાન દરેક વખતે ગૌતમ ગંભીરના નામની વિચારણા થઈ હતી. પાટીલના કાર્યકાળમાં જ ગૌતમની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ હતી, પરંતુ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર્સ સામે તેનું બેટ શાંત રહ્યું અને ફરી એક વાર ગંભીરને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. ‘શું કેપ્ટનોએ ગંભીરનો વિરોધ કર્યો હતો?’ એવો સવાલ પૂછવામાં આવતાં ભૂતપૂર્વ સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું, ”ત્રણેય ફોર્મેટમાં ટીમના કેપ્ટન રહી ચૂકેલા એમ. એસ. ધોની કે હાલના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સિનિયર ખેલાડીઓના નામનો વિરોધ નહોતો કર્યો. ટીમમાં કોને સામેલ કરવાે એનો નિર્ણય સિલેક્ટર્સે જ કર્યો હતો.”

You might also like