ગૌતમ માટે ‘ગંભીર’ બની ટીમ ઇન્ડિયા

ઇન્દોરઃ તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૧૪ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર ગૌતમ ગંભીર પોતાની કરિયરનો સૌથી મોટો ટેસ્ટ આપશે. એટલું તો નક્કી થઈ ગયું છે કે તે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતો નજરે પડશે, પરંતુ આ સાથે જ તેના ઉપર ખુદને સાબિત કરવાનું પણ જબરદસ્ત દબાણ છે. ગંભીરે ૨૦૧૪માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ રમી હતી. ત્યાર બાદથી તે સતત રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઉત્સુક રહ્યો છે. વન ડે કેપ્ટન મહન્દ્રસિંહ ધોની અને વર્તમાન ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સાથે તેના અંગત સંંબંધો બહુ સારા રહ્યા નથી. ગૌતમને આ બાબતનું પણ નુકસાન ઉઠાવવું પડ્યું છે. જોકે સૂત્રોનું કહેવું છે કે હવે વિરાટ અને ગંભીર ફરીથી નજીક આવી રહ્યા છે. કોલકાતામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ બંને વાતચીત કરતા જોવા મળ્યા હતા. ગઈ કાલે ઇન્દોરમાં પણ બંને બેટિંગ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી બેટિંગ પ્રેક્ટિસ કર્યા બાદ ગંભીર મળ્યો હતો. બંનેએ ઘણી વાર સુધી ચર્ચા કરી હતી. એ દરમિયાન રવીન્દ્ર જાડેજા પણ તેની પાસે બેઠો હતો.

ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે પણ ગઈ કાલે કહ્યું કે દિલ્હીનો આ બેટ્સમેન ઘરઆંગણાની લાંબી સિઝન માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્ત્વનો સાબિત થશે. બાંગરે કહ્યું, ”ગૌતમ ગંભીર મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. ટીમની બહાર રહેવા દરમિયાન તેણે વાસ્તવમાં પોતાની આઇપીએલ ફ્રેંચાઇઝી અને રાજ્યની ટીમ તરફથી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ત્યાર બાદ તેને દુલિપ ટ્રોફીમાં તક મળી તો તે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની રહ્યો અને આ રન તેણે ગુલાબી બોલમાં બનાવ્યા. મારું માનવું છે કે રાહુલ અને શિખર ધવનની ઈજાથી એ નિશ્ચિત થઈ ગયું છે કે ટીમમાં તેના માટે જગ્યા છે. ગૌતમે સ્પિન બોલર્સ વિરુદ્ધ પોતાને સાબિત કરી દીધો છે. આ સિઝનમાં ભારતમાં ઘણી ટેસ્ટ રમવાની છે એ જોતાં ગૌતમ ટોચના ક્રમમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.”

You might also like