લગ્ન બાદ ગંભીરે ઝાહિર ખાનને આપી આવી સલાહ, બાઉન્સરોથી બચીને રહેજે ભાઈ!

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બૉલર ઝાહીર ખાને ફિલ્મ ‘ચક દે..’ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરી લીધા છે. ઝાહીર અને સાગરિકાના લગ્નમાં પરિવારજનો સિવાય નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. બંને જણાએ મુંબઈમાં સાદી રીતે કોર્ટ મેરેજ પણ કર્યા હતા.

સાગરિકા સાથે લગ્ન બાદ ટીમના સાથી ખિલાડી ગૌતમ ગંભીરે ઝાહિર ખાનને શુભેચ્છા આપી હતી અને મજાક કરતાં કરતાં એક સલાહ પણ આપી દીધી હતી. ગંભીરે ટ્વિટર પર લખ્યું છે કે, ‘લગ્નની શુભેચ્છા ઝાહિર અને સાગરિકા. આખરે એવું કોઈ આવી જ ગયું જે ઝાહિરને પણ બાઉન્સર મારી શકે છે.’

તેની સાથે જ ગંભીરે મજાકિયા અંદાજમાં સલાહ આપી હતી કે, ‘ભાઈ, હું મારા પોતાના અંગત અનુભવ પરથી કહું છું કે, જ્યારે પણ પત્ની તરફથી બાઉન્સર આવે ત્યારે તેને હિટ કરવાનો પ્રયત્ન ના કરવો, તેને ડક કરવો અને કાં તો કિનારે થઈ જાઓ.’

ગંભીરે આ ટ્વિટમાં ઝાહિર ખાનની સાથે યુવરાજ સિંહ અને હરભજન સિંહને પણ ટેગ કર્યા હતા, કારણ કે હરભજન અને યુવરાજે પણ ફિલ્મી અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યાં છે. હરભજને અભિનેત્રી ગીતા બસરા સાથે અને યુવરાજે અભિનેત્રી હેઝલ સાથે લગ્ન કર્યાં છે.

You might also like