રક્ષાબંધન પર ગૌતમ ગંભીરે બે કિન્નરોને બહેન બનાવી બંધાવી રાખડી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રક્ષાબંધનનો તહેવાર અનોખા અંદાજમાં મનાવ્યો હતો. તેણે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને એક સારો મેસેજ આપ્યો હતો.

ગંભીરે માનવતાનું એક મોટું ઉદાહરણ રજૂ કરતાં બે કિન્નરો પાસે રાખડી બંધાવી હતી.આમ ગૌતમ ગંભીરે કિન્નરોને પણ રક્ષાબંધન ઊજવવાની તક આપી હતી. ગંભીરે બે કિન્નરોને તેની બહેન બનાવી છે. રક્ષાબંધનના અવસર પર અબીના અહર અને સિમરન શેખ નામના કિન્નરો પાસે રાખડી બંધાવીને એક સારો સંદેશ આપ્યો છે.

ગંભીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે, જેમાં તેની સાથે અબીના અને સિમરન પણ હાજર છે. ગંભીરે ફોટો શેર કરવાની સાથે એક હૃદયસ્પર્શી લાઇન પણ લખી છે કે, ”તેનો પુરુષ કે મહિલા હોવાથી મતલબ નથી. અહીં માનવતાનું મહત્ત્વ છે. અબીના અહર અને સિમરન શેખની રાખડીનો પ્રેમ મારા હાથમાં છે, જેનો મને ગર્વે છે.

મેં તો તેમને સ્વીકારી લીધાં છે પણ તમે?” ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વન ડે વિશ્વ કપમાં ભારતની જીતના મુખ્ય સૂત્રધાર રહેલા ગૌતમ ગંભીરે ૫૮ ટેસ્ટની ૧૦૪ ઈનિંગ્સમાં ૪૧૫૪ રન બનાવ્યા છે, જેમાં નવ સદી અને ૨૨ અર્ધસદીનો સમાવેશ થાય છે.

You might also like