ગૌરી વ્રતને ય નડી મોંઘવારીઃ જવારાનો ભાવ રૂ.પ૦ અને છાબડીનો રૂ.૧પ

અમદાવાદ: શુક્રવારથી શરૂ થઇ રહેલાં કુમારિકાઓનાં વ્રત ગૌરી વ્રતને ય આ વર્ષે મોંઘવારી નડી ગઇ છે. ર૦થી રપ રૂપિયામાં ગત વર્ષે મળતી જવારાની છાબડી આ વર્ષે રૂ.૪૦ થી પ૦માં વેચાઇ રહી છે. એટલું જ નહીં ઘરે જવારા ઉગાડવા માગતા હોય તેમણે ખાલી વાંસની છાબડી ખરીદવી પડે તેનો ભાવ આ વર્ષે વધીને રૂ.૧પ થઇ ગયો છે જે ગત વર્ષે રૂ.૧૦માં વેચાતી હતી. ગૌરી વ્રત શરૂ થતાં પૂર્વે ડ્રાય ફ્રૂટના ભાવમાં વધારો નોંધાયો છે ફળો પણ ૧ર૦ થી ર૦૦ પ્રતિ કિલો છે. પાંચ દિવસના મીઠું ખાધા વગરના ઉપવાસ રાખતી કન્યાઓનાં મા બાપને આ વર્ષે વ્રત માટે પણ સ્પેશિયલ બજેટ ફાળવવું પડશે. દૂધમાં પણ રૂ.૧૦નો વધારો, મીઠાઇમાં ૧૦થી ર૦ ટકાનો ભાવ વધારો વ્રત માટે સ્પેશિયલ પૂજાપાનું પેકેજ ગણતાં સરવાળે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે હવે સ્પેશિયલ બજેટ બનાવવાં પડશે.

એક જમાનામાં ગૌરી વ્રતના આરંભ પૂર્વે કુમારિકાઓ ઘરે છાબડીમાં સારું મુહૂર્ત જોઇને જવારા વાવતી હતી. મોટા ઘટ્ટ ઘટાદાર જવારા ઊગે તે સારા નસીબની નિશાની ગણાતી હતા. ખેતરની કાળી માટી, ગાયનાં છાણનું ખાતર પાંચ ધાનથી જવારા ઉગાડવાની સ્પેશિયલ વિધિ થતી હતી કારણ કે જવારા ગૌરી વ્રતની પૂજાનો મહત્વનો ભાગ ગણાય છે. પરંતુ સમય બદલાતાં વ્રત પણ હવે હાઇટેક બન્યાં છે. હવે ઠેર ઠેર છાબડીમાં તૈયાર જવારા મળવા લાગ્યા છે. તેની જ પૂજા હવે કુમારિકાઓ મંદિરમાં જઇને કરી લે છે. જે એક સમયે નદી તટે થતી હતી. બજારમાં હવે ગૌરી વ્રત સ્પેશિયલ મીઠાઇ બોક્સ, સુકા મેવાનાં પેકેટ વિવિધ આકર્ષક પેકિંગમાં મળવા લાગ્યાં છે.

You might also like