ગંગા અને અલકનંદા ખતરામાં સતોપંત-ગૌમુખ ગ્લેશિયર પીગળ્યાં

નવી દિલ્હી: દેશ માટે મોટી ચેતવણી સમાન ન્યૂઝ બહાર આ‍વ્યા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની પહેલ પર થનારા તાજેતરના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે  ગંગા અને અલકનંદા નદીના પાણીના સ્રોતવાળાં સતોપંત અને ગૌમુખ (હિમાલય)નાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યાં છે.

તેનું મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. તેનાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આવી જ હાલત રહેશે તો આગામી થોડાં વર્ષોમાં ગ્લેશિયર જ ખતમ થઇ જશે અને નદીઓને પાણી નહીં મળી શકે. આમ થશે તો જળસંકટ વધુ ઘેરું બનશે.

ગ્લેશિયર પીગળવાનું રિસર્ચ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે આઇઆઇટી કાનપુરને આપ્યું છે. પૃથ્વી વિજ્ઞાનના પ્રો. ઇન્દ્રશેખર સેન અને પ્રો. રાજીવ સિંહાની દેખરેખમાં રિસર્ચ સ્કોલરે હરિદ્વારથી ગોમુખ સુધી પાણીના નમૂના એકઠા કરીને અભ્યાસ કર્યો છે.પાણીના નમૂના દર મહિને લેવાય છે. ૨૦ એપ્રિલે જ રિસર્ચ સ્કોલર શોમિતાની ટીમ પાણીના નમૂના લઇને આવી હતી. આઇસોટેપ ટેક્િનક દ્વારા નદીઓમાં વરસાદ, ગ્રાઉન્ડ વોટર અને બરફથી પીગળેલા જળનું સ્તર માપવામાં આવ્યું.

નદીઓમાં ગ્લેશિયર પીગળવાથી કેટલું પાણી આવ્યું તેની તપાસમાં જાણવા મળ્યું કે હરિદ્વારથી ગોૈમુખ સુધી નદીઓનાં પાણીમાં ગ્લેશિયરનાં જળની માત્રા ૩૦ ટકા છે, જે સામાન્ય કરતાં ઘણી વધુ છે. ઉલ્લેખનીય છે કે ગૌમુખ ગ્લેશિયરનું પાણી ગંગા નદીમાં અાવે છે. ગૌમુખ, ગંગોત્રી, હર્ષશીલ, ડાબરાની, ઉત્તર કાશી, દેવપ્રયાગ અને ઋષિકેશમાંથી પાણીના નમૂના લેવાયા. અભ્યાસ બાદ ગ્લેશિયરના પીગળવાનો રિપોર્ટ તૈયાર કરાયો. ૨૦૧૪-૧૫ અને ૧૬ના રિપોર્ટ મુજબ ગ્લેશિયર પીગળવાની ગતિ ખૂબ જ ઝડપી બની છે.

You might also like