ગેસની પાઈપલાઈનમાં અાગ ફાટી નીકળતાં દોડધામ-ભયનો માહોલઃ મોટી હોનારત ટળી

અમદાવાદ: કડી નજીક અાવેલા લક્ષ્મીપુરા-નંદાસણ ગામની નજીકથી પસાર થતી ગેસની પાઈપલાઈનમાં ગઈ મોડી રાતે અચાનક જ અાગ ફાટી નીકળતા ગામ લોકોએ ભારે દોડધામ કરી મૂકી હતી અને ભયનો માહોલ છવાયો હતો. જોકે ફાયરબ્રિગેડની ભારે જહેમત બાદ અાગ કાબૂમાં અાવી જતાં મોટી હોનારત ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે કડી નજીક અાવેલા લક્ષ્મીપુરા-નંદાસણ ગ્રામપંચાયતની કચેરી સામેથી પસાર થતી ગેસની પાઈપલાઈનમાં ગઈ રાતે અચાનક જ અાગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જ અાગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતાં ગ્રામજનોએ દોડધામ કરી મૂકી હતી અને ચોતરફ ભયનું વાતાવરણ ઊભું થયું હતું. પ્રથમ અા પાઈપલાઈનમાંથી એર નીકળતી જોવા મળી હતી અને ત્યારબાદ વાલ્વ મોટો થઈ જતાં ગેસ નીકળવાનું શરૂ થયું હતું અને અાગ લાગી હતી. ગામના પાદરમાંથી પસાર થતી પાઈપલાઈનમાં અાગ લાગી હોવાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતાં લોકોમાં ભયની લાગણી પેદા થઈ હતી અને દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ મહેસાણા અને ગાંધીનગર ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અાગને બુજાવવાની કામગીરી શરૂ કરી હતી. પૂરા બે કલાકની જહેમત બાદ અાગ કાબૂમાં અાવી જતાં મોટી હોનારત થતાં ટળી હતી અને લોકોએ રાહતનો દમ લીધો હતો. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like