વિંઝોલ ગેસ ગળતરઃ લોકોને એલર્જીક ઇન્ફેક્શન થયું હોવાનો GPCBનો દાવો

અમદાવાદ: વિંઝોલમાં ગયા શુક્રવારની મોડી રાતે ગેસ ગળતર થવાથી ૧૪ નાગરિકોને મ્યુનિ. સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે, જે પૈકી હાલ પણ ૧ર દર્દી સારવાર હેઠળ છે. સમગ્ર શહેરમાં વિંઝોલ ગેસ ગળતરે ચકચાર મચાવી છે, જોકે વિંઝોલમાં કોઇ ફેક્ટરીમાંથી ગેસ ગળતર થયું જ ન હતું, પરંતુ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત લોકોને એલર્જીક ઇન્ફેકશન થયું હોવાનો દાવો જીપીસીબીએ કરતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.

અમદાવાદ પૂર્વના જીપીસીબીના પ્રાદેશિક અધિકારી બી. આર. ગજ્જર કહે છે, જે રાતે ગેસ ગળતરની ફરિયાદ ઊઠી તે વખતે વિંઝોલમાં કોઇ ધાર્મિક કાર્યક્રમમાં લોકો એકઠા થયા હતા, જે પૈકી ૧૪ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંખો લાલઘૂમ થવા જેવી તકલીફ થઇ હતી. આ સમયગાળામાં ૩૬ ફેક્ટરી પૈકી દિવાળીના માહોલના કારણે માંડ ચાર ફેકટરી ચાલુ હતી. જોકે ચારેય ફેકટરીમાં ગેસ પ્રક્રિયાને લગતી કામગીરી થતી ન હતી.

જીપીસીબીની તપાસ ટીમને વિંઝોલમાં ફેકટરીના ગેસ ગળતરને લગતા પુરાવા મળી આવ્યા ન હતા તેવો દાવો કરતાં આ અધિકારી વધુમાં કહે છે, ‘એલજી. હોસ્પિટલનો વચગાળાનો રિપોર્ટ હજુ અમે મળ્યો છે, જેમાં ડોકટરોએ એલર્જીક ઇન્ફેકશનનો ઉલ્લેખ કર્યો છે!

અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલમાં આ પ્રકારની એક દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જોકે જીપીસીબીએ રાબેતા મુજબ ‘સબ સલામત’ના ગાણા ગાયા છે. પોલ્યુશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના મુદ્દાઓ પર રાજ્ય સરકારના જીપીસીબી અને શ્રમ વિભાગને આધીન આ ફેકટરી ઇન્સ્પેક્ટરોમાં પણ સંકલનના અભાવના પરિણામે જીઆઇડીસી વિસ્તારના લોકોએ સતત ઉચાટમાં રહેવું પડે છે.

You might also like