દેશમાં એક જ નંબર પર ગેસ લીકેજની ફરિયાદ કરી શકાશે

નવી દિલ્હી: રાંધણ ગેસના ગ્રાહકોને નવા વર્ષમાં એક સૌથી મોટી સુવિધા મળનાર છે. જે રીતે સમગ્ર દેશમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સેવા માટે એક નંબર છે, એ રીતે શુક્રવારથી જો તમારા રાંધણ ગેસમાં લીકેજ હશે તો સમગ્ર દેશમાં એક જ ઈમર્જન્સી નંબર પર ફોન કરી શકાશે.
પેટ્રોલિયમ મંત્રાલય ઘરેલુ એલપીજી સેવાને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી હવે સમગ્ર દેશ માટે એક ઈમર્જન્સી નંબર ૧૯૦૬ લાવી રહયું છે. શુક્રવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હવે આ એક જ નંબરની શરૂઆત કરશે.

એક મહિલાએ આ અંગે ટ્વિટ કરીને નિરાશા વ્યક્ત કરતાં સમગ્ર દેશ માટે એક જ ઈમર્જન્સી નંબર શરૂ કરવાનો વિચાર આ વર્ષે એપ્રિલમાં આવ્યો હતો. મહિલાએ પોતાના ટ્વિટમાં ગેસ લીકેજની ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. એક ટ્વિટ કરીને તેમણે વડા પ્રધાનના કાર્યાલયનું ધ્યાન દોરતાં, પીએમઓએ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને આ બાબતનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વિટ કરનાર મહિલાનો ફોન પર સંપર્ક કરીને તેમની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી અને પાછળથી ઓઈલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે દેશ ભરમાં ત્રણ આંકડાના એક નંબર પર આ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવે. જોકે ત્રણ આંકડાનો નંબર નહીં મળતાં હવે સમગ્ર દેશ માટે રાંધણ ગેસ લીકેજની ફરિયાદ માટે ચાર આંકડાનો ઈમર્જન્સી નંબર ૧૯૦૬ જારી કરવામાં આવ્યો છે.

You might also like