વિનામૂલ્યે રાંધણગેસ કનેક્શન મેળવવા માટે આધાર ફરજિયાત

નવી દિલ્હી: સરકારે હવે અનેક ક્ષેત્રોમાં આધાર નંબર ફરજિયાત કરી દીધો છે. ખરીફ વાવેતરની આગામી સિઝનથી પાક વીમા પોલિસીનો લાભ લેવા માટે હવે આધાર ફરજિયાત બનશે. આધારકાર્ડ વગર હવે ગરીબ મહિલાઓ વડા પ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત વિનામૂલ્યે રાંધણગેસ કનેક્શન મેળવી શકશે નહીં. આ ઉપરાંત આધાર સાથે જોડાયા બાદ જ સંરક્ષણ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે.

કૃષિ મંત્રાલયેે ગ્રામીણ નાણાકીય સંસ્થાઓને આ સંદર્ભમાં નિર્દેશ જારી કર્યા છે. મંત્રાલયે ૧ એપ્રિલથી શરૂ થનાર ખરીફ સિઝનથી નવા નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. સૂચનામાં જણાવાયંુ છે કે ખરીફ સિઝન-ર૦૧૭થી કૃષિ વિભાગ દ્વારા લાગુ પાડવામાં આવેલ પાક વીમા યોજનાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોને હવે પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવું પડશે અથવા આધાર ઓથોરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

બેન્કોને જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને લોનની ફાળવણી, રિન્યુઅલ, વિતરણ અને તપાસ સમયે આધારકાર્ડ રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે વિનામૂલ્યે ગેસ કનેક્શન મેળવવા આધાર ફરજિયાત કરવાનું નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશન અનુસાર વડા પ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેવા માગતા લોકોએ હવે પુરાવા તરીકે આધારકાર્ડ આપવું પડશે અથવા તો આધાર ઓથોરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગરીબીરેખા નીચે જીવતી જે મહિલાઓ પાસે આધાર નંબર નથી તેમને ૩૧ મે સુધીમાં અરજી કરી દેવા જણાવવામાં આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like