તહેવારો નજીક હોવા છતાં પણ ગાર્મેન્ટ બજારમાં મંદીનો માહોલ

અમદાવાદ: શનિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. દિવાળીને પણ હવે એક મહિનાની વાર છે છતાં પણ ગાર્મેન્ટ બજારમાં મંદીનો માહોલ પ્રવર્તી રહેલો જોવા મળી રહ્યો છે. ગાર્મેન્ટ બજારના વેપારીઓના કહેવા પ્રમાણે દક્ષિણ ભારત બાજુથી આવતા ઓર્ડરના અભાવ વચ્ચે ગાર્મેન્ટ બજારમાં ખાસ કોઇ ઘરાકી નીકળી નહીં શકવાના કારણે મંદી જેવી સ્થિતિ પ્રવર્તી રહેલી જોવા મળી રહી છે.

ગાર્મેન્ટ બજારના સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે એક બાજુ બજારમાં નાણાંભીડ જોવા મળી રહી છે તો બીજી બાજુ કાપડ બજારમાં કેટલીક પાર્ટીઓનાં ઊઠમણાંના કારણે તેના છાંટા ઊડ્યા છે. આ છાંટા ઊડવાના કારણે ગાર્મેન્ટ બજારના વેપારીઓ નવા કામકાજ કરવાથી અળગા થઇ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી પ્રિન્ટ સાથેની નવી પેટર્ન બજારમાં મૂકીએ તો એ ચાલશે કે નહીં તે અંગેની શંકા વેપારીઓને કોરી ખાય છે અને તેને કારણે વેપારીઓ વધુ ને વધુ સાવચેતીપૂર્વકનો કારોબાર કરી રહ્યા છે.

ઈ-કોમર્સ કંપનીઓ વેપાર ખેંચી જાય છે
તહેવારોમાં ઇ-કોમર્સ કંપનીઓ મોટા પાયે ડિસ્કાઉન્ટની સ્કીમ્સ જાહેર કરતી હોય છે. તેના કારણે ઇ-કોમર્સ કંપનીઓનો અને ખાસ કરીને રિટેલ ગાર્મેન્ટ સેગ્મેન્ટમાં ઓનલાઇન વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેના કારણે ગાર્મેન્ટ સેક્ટરના વેપારી-કારોબાર ઉપર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને રેડીમેડ સેગ્મેન્ટમાં ગ્રામ્ય વિસ્તારની ઓનલાઇન ખરીદી વધી રહેલી જોવા મળી રહી છે તેની નકારાત્મક અસર પડી હોવાનું ગાર્મેન્ટ એસોસિયેશનના વેપારીઓ જણાવી રહ્યા છે.

You might also like