સફાઈનાં નામે મીંડું: શહેરનાં બગીચાનાં ટોઈલેટ ગંદાં, ગોબરાં અને બદબૂદાર

અમદાવાદઃ લાખોનાં નહીં પણ કરોડોનાં ખર્ચે પ્રજાની સુખાકારી અને આનંદ માટે બનાવવામાં આવેલા શહેરનાં બગીચાઓનાં ટોઈલેટ અત્યંત ગંદા અને બદબૂદાર હાલતમાં છે. તેની કોઈ જાતની સાફ સફાઈ ન થતી હોઈ મુલાકાતીઓને મજબૂરીમાં ટોઈલેટનો ઉપયોગ કરવો પડે તો જાણે નર્કમાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં નવા ૨૪ બગીચા તૈયાર કરવામાં આવ્યા છે.

જો કે AMCનો બગીચા વિભાગ પણ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિ‌તિમાં બગીચાઓનાં મેન્ટેનન્સમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાં કારણે આ બગીચાઓનું સંચાલન પણ ખાનગી કંપનીઓને સોંપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આ માટે AMC દ્વારા ટેન્ડર પણ મંગાવવામાં આવ્યાં છે. AMCની માલિકીનાં શહેરમાં કુલ ૨૪૨ બગીચા છે, જેમાંથી ૨૩૦ બગીચાઓ મેન્ટેનન્સ માટે અમૂલને આપવામાં આવેલા છે.

જ્યારે પ્રસિદ્ધ લો ગાર્ડન અને ઉત્તમનગર ગાર્ડનનું મેન્ટેનન્સ આસિમા કંપનીને સોંપવામાં આવેલ છે તેમજ પરિમલ ગાર્ડનનું મેન્ટેનન્સ ટોરેન્ટ કંપનીને સોંપાયેલ છે, જ્યારે AMCનાં બાકીનાં તમામ બગીચાઓનું મેન્ટેનન્સ ગાયત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પાંચ કંપનીઓને સોંપવામાં આવેલ છે.

લો ગાર્ડનનાં પે એડ યુઝ ટોઇલેટમાં રૂ ર થી પ વસૂલાતા હોવા છતાં વોશરૂમની હાલત ખરાબ તો છે જ પણ ઠેર ઠેર ટાઇલ્સ ઊખડી ગયા છે અને ભયંકર વાસ આવે છે તો અલગ પૈસા ચૂકવો પછી સફાઈ કેમ નહીં તેવી જ રીતે ઇસ્કોન વિસ્તારમાં આશાવરી ટાવરની બાજુમાં આવેલા બગીચામાં પાણીની ટાંકી શોભાના ગાંઠિયા જેવી છે. બંને વોશરૂમમાંથી ફ્લશ ટેન્કમાં પાણી બંધ છે તો એકમાં ટેન્ક જ ચોરાઈ ગઈ છે.

વિજય ચાર રસ્તા નજીક આવેલા સૌરભ મ્યુનિસિપલ ગાર્ડનનાં વોશરૂમની હાલત નરક સમાન છે. અસહ્ય ગંદકીથી ખદબદતા આ વૉશરૂમની નજીકથી પસાર થવાનું પણ શક્ય નથી. છેલ્લાં એક વર્ષથી અમૂલ હસ્તકના બગીચાઓનાં મેન્ટનન્સ સંબંધિત અનેક ફરિયાદો સામે આવી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા તાજેતરમાં અમૂલનાં સંચાલકો સાતેય બગીચાઓનાં યોગ્ય મેન્ટેનન્સ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

તેમ છતાં AMC દ્વારા નવા બનાવાયેલ ૨૪ બગીચાઓનાં મેન્ટેન્સનું કામ પણ ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મોટા ભાગનાં બગીચામાં સિનિયર ‌સિટીઝન બેથી ત્રણ કલાક બેસતા હોય છે તેમની હાલત દયનીય બની છે. તેમને ઘેર વહેલાં જતાં રહેવું પડે છે બગીચામાં માળી-સફાઈ કામદાર અને સિક્યોરિટીની વ્યવસ્થા છે.

તેમને બગીચામાં રહેણાક પણ પૂરું પાડવામાં આવે છે, છતાં બહારથી લીલોતરીથી ભરપૂર રળિયામણા દેખાતા બગીચામાં વોશરૂમની સફાઈ અને મેન્ટેનન્સની ઉપેક્ષા કેમ? આ અંગે બગીચા ખાતાનાં અધિકારી જિજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે તાત્કાલિક અસરથી જે તે કંપનીઓને ગાર્ડનનાં મેન્ટેનન્સની જવાબદારી અપાઈ છે તેને જાણ કરીને પગલાં લેવામાં આવશે.

You might also like