ટ્રેનમાં પણ હવે વિમાનની જેમ થેલામાં એકત્ર કરાશે કચરો

નવી દિલ્હી: વિમાનોની જેમ હવે ટ્રેનમાં પણ કર્મચારી દરેક યાત્રી પાસે બેગ લઇને આવશે જેથી યાત્રીઓ ખાણી-પીણી બાદ બચેલી ખાલી પ્લેટો અને અન્ય કચરો રેલ કર્મીની બેગમાં ઠાલવી શકે. તેના કારણે ટ્રેનને સાફ રહેવામાં પણ મદદ મળશે અને કચરો સરળતાથી ભરી શકાશે.

હાલમાં વિમાનમાં આ પ્રકારની વ્યવસ્થા છે. જ્યાં વિમાનના ઊતરતાં પહેલાં એરહોસ્ટેસ દરેક યાત્રીની સીટ પાસે પોલિથિન બેગ લઇને જાય છે. જેથી યાત્રીઓ વધેલો સામાન તેમાં ફેંકી શકે. ભારતીય રેલવેના સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં રેલવે અધિકારીઓની બેઠકમાં રેલવે બોર્ડના ચેરમેને આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવાના આદેશ આપ્યા હતા. ચેરમેનનું કહેવું હતું કે આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઇએ જેથી યાત્રીઓએ ખાલી પ્લેટ અને અન્ય સામાન પોતાની સીટોની નીચે ન રાખવો પડે.

રેલવે સૂત્રોનું કહેવું છે કે હાલમાં આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી જેનું પરિણામ એ છે કે ભોજન કે નાસ્તો કર્યા બાદ યાત્રીઓ ખાલી પ્લેટ અને અન્ય સામાન પોતાની સીટ નીચે મૂકી દે છે. જેથી ઝાટકો લાગતાં તે વિખેરાઇ જાય છે. પરિણામ એ આવે છે કે ઘણીવાર ટ્રેનના કોચ અત્યંત ગંદા થઇ જાય છે.

રેલવેનું કહેવું છે કે આ વ્યવસ્થા શરૂ થતાં ફાયદો એ થશે કે ટ્રેનમાં સાફસફાઇ કરવામાં સમય પણ ઓછો લાગશે અને ટ્રેનના કોચ ગંદા નહીં થાય. આ ઉપરાંત જ્યારે કચરો એક બેગમાં એકત્ર થઇ જશે તો તેને એકઠો કરવો પણ સરળ થશે અને આ બેગને ટ્રેનમાંથી સરળતાથી ઉતારીને એવી જગ્યાએ લઇ જવાશે જ્યાંથી તેનો નિકાલ કરી શકાય

એક ક્લિકમાં જાણી શકાશે સ્ટેશન પરની સુવિધાઓ
આ સાથે જ રેલવે એ એવા આદેશ પણ જારી કર્યા છે કે હવે તમામ ડિવિઝન પોતપોતાના ક્ષેત્રમાં આવનારા રેલવે સ્ટેશનોની તસવીર રેલવેની ઝોનલ વેબસાઇટ પર અપલોડ કરશે અને તેની લિન્ક ઇન્ડિયન રેલવેની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ થશે.

રેલવેનું કહેવું છે કે દરેક સ્ટેશનની તસવીરોની સાથે તે સ્ટેશન પર રહેલી સુવિધાઓની વિગતો પણ આપવામાં આવશે જેથી યાત્રીઓ ઘરે બેસીને જાણી શકે કે કયા સ્ટેશન પર કઇ સુવિધા ઉપલબ્ધ છે.

રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે રેલવેના તમામ ઝોનને આ આદેશ મોકલાયા છે. રેલવેનું કહેવું છે કે દેશમાં ૮,૦૦૦ રેલવે સ્ટેશન છે. હાલમાં ફોટો એ પ્રમુખ સ્ટેશનોનો લગાવાશે જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓની અવરજવર થાય છે. બાદમાં નાનાં સ્ટેશનોની તસવીરો અને જાણકારી પણ વેબસાઇટ પર મુકાશે.

You might also like