દિલ્હીના સફાઈ કર્મચારીઓ આજથી બે મુદતી હડતાળ પર

નવી દિલ્હી: દિલ્હીના સફાઈ કર્મચારીઓનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. છેલ્લા છ દિવસથી દેખાવો કરતા કર્મચારીઓઅે આજથી બે મુદતી હડતાળ પર જવા નિર્ણય કરતાં દિલ્હીવાસીઓની પરેશાનીમાં વધારો થશે.

છેલ્લા છ દિવસથી ચાલતી હડતાળના કારણે અેમસીડીમાં માત્ર કામકાજ જ ઠપ નથી. પરંતુ રોષે ભરાયેલા કર્મચારીઓઅે અનેક જગ્યાઅે કચરો ફેંકી દિલ્હીના માર્ગોની હાલત બગાડી નાખી છે. અને હવે બે મુદતી હડતાળનાં અેલાનથી પરિસ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે. જોકે હાલ સરકારે કચરો ઉઠાવવા અને સાફસફાઈનાં કામકાજ માટે પીડબલ્યુડીને લગાવી દીધું છે.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાઅે જણાવ્યું કે પી ડબલ્યુડીની લગભગ ૯૦ ગાડીઓને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે. અેમસીડીઅે ફંડની તંગીથી ટોલટેકસમાં પણ સાતથી ૬૬ ટકાનો વધારો કર્યો છે. જેના નવા દર આજથી લાગુ પડશે. અેમસીડીના લગભગ દોઢ લાખ કર્મચારી ગત બુધવારથી હડતાળ પર છે. તેમણે ચીમકી આપી હતી કે જો તેમની માગણીઓ અંગે ન્યાય નહિ મળે તો તેઓ પહેલી ફ્રેબ્રુઆરીથી બેમુદતી હડતાળ પર ઊતરી જશે.

દિલ્હીના સફાઈ કર્મચારીઓના સમર્થનમાં અેમસીડીના શિક્ષકોઅે પણ હડતાળ પર જવા નિર્ણય કર્યો છે. સોમવારથી આ શિક્ષકો પણ અચોકકસ મુદતની હડતાળમાં ભાગ લેશે અને સરકાર પર કર્મચારીઓના અધિકાર અને શરતોને માન્ય રાખવા દબાણ કરશે.

You might also like