ગરબા રમવા કે જોવા જાવ અને મતદારયાદીમાં નામ પણ નોંધાવો

અમદાવાદ: નવરાત્રિ ઉત્સવને ચૂંટણી પંચે પ્રચારના એક મહત્વના ઉત્સવ તરીકે સ્વીકારીને મતદાર જાગરણ કાર્યક્રમ હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. ર૧મીથી પહેલા નોરતાથી નાગરિકોએ મતદાર યાદીમાં નામ નોંધાવવું હશે નામ છે કે નહીં તે ચેક કરાવવું હશે કે સરનામું બદલવું હશે તો નવરાત્રિના દિવસોમાં કચેરીએ નહીં જવું પડે.

ચૂંટણી પંચના અધિકારીઓ ખુદ ગરબાના સ્થળે શહેરના મુખ્ય વિસ્તારોમાં આવીને નાગરિકોને ગરબાના સમયે રાત્રે ૮ થી ૧૧ આ પ્રકારની સેવા આપશે. ચૂંટણી વિભાગ સ્પેશિયલ હેલ્પ ડેસ્ક કાઉન્ટર શરૂ કરશે. જેમાં ચૂંટણીલક્ષી સાહિત્ય ઉપરાંત જે યુવાઓને ૧૮ વર્ષ પૂરાં થયાં હશે તેમને મતદાર યાદીમાં નામ નોંધવા માટે અપીલ કરાશે. કોઇપણ ઉમેદવાર તેનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તેનો બૂથ નંબર સહિતની માહિતી હેલ્પ ડેસ્ક પર આસાનીથી મેળવી શકશે. નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નં.૬ જેમાં ૩૧-૧ર-૯૭ પહેલાં જન્મેલા નાગરિકો નોંધ કરાવી શકે છે. ફોર્મ નં.૭ નામ કમી કરાવવા અને ફોર્મ નં.૮ અ નામ સુધારો કરાવવા માટે ભરવાનું રહે છે.

આ અંગે ચૂંટણી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ભારતીબા વાઘેલાએ જણાવ્યું હતુ કે યુવા અને મહિલા મતદારો પણ મતદાન પ્રત્યે આકર્ષાય તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૮ વિધાનસભા મત વિસ્તારમાં મોટાપાયે યોજાતા ગરબા મહોત્સવમાં ચૂંટણી વિભાગ અલગથી ડેસ્ક ઊભું કરશે. જે રાત્રે ૮થી ૧૧ દરમ્યાન સેવા આપશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબામાં શહેરના તમામ વિસ્તારમાંથી ખૈલયાઓ મોટી સંખ્યામાં આવતા હોય ત્યાં સ્પેશિયલ મતદાન જાગૃતિ સ્ટોલ ઊભો કરાયો છે.

વધુ ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના પાર્ટીપ્લોટ તેમજ કલબોમાં અને કોલેજોમાં પણ એક કે બે દિવસ માટે યોજાતા ગરબામાં મતદાન જાગૃતિ કાઉન્ટર ઊભું કરાશે. જેમાં એલ.જે. કોલેજ, એલ.ડી. એન્જિ. કોલેજ ગ્રાઉન્ડ, રાજપથ કલબ, કર્ણાવતી કલબ, વાયએમસીએ કલબ, એસ.જી. હાઇવે આવેલા પાર્ટી પ્લોટ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.

You might also like