લગ્ન પ્રસંગે ગરબામાં ધક્કા-મૂક્કીથી થયેલા ઝઘડામાં યુવકની હત્યા

અમદાવાદ: શહેરમાં હવે સામાન્ય બાબતે ઝઘડામાં છરી, તલવાર જેવાં ઘાતક હથિયારો વડે હુમલો કરવાના બનાવો સામાન્ય બની ગયા છે. લોકોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બે િદવસ અગાઉ જૂના વાડજના રામાપીરના ટેકરા પાસે એક યુવકને જૂની અદાવતમાં બે શખ્સોએ છરીના ઘા માર્યા હતા. ત્યાં ગઈ કાલે રાત્રે પુરુષાર્થનગરમાં રાસ-ગરબામાં ધક્કામુક્કી થતાં ચાર શખ્સોએ યુવક સાથે ઝઘડો કરી તેને ગાળો બોલી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. વાડજ પોલીસે હત્યા કરનાર ચારેય શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂના વાડજ વિસ્તારના પુરુષાર્થનગરમાં હીરાબહેન કનુભાઈ રાઠોડ રહે છે. ગઈ કાલે રાત્રે પુરુષાર્થનગરમાં હીરાબહેનના ઘર નજીક લગ્ન પ્રસંગ હોઈ રાસ-ગરબા ચાલી રહ્યા હતા. જૂના વાડજના સુભાષનગરના છાપરામાં રહેતો ચિરાગ મનસુખભાઈ વાઘેલા (ઉં.વ. ૨૨) રાસ-ગરબા જોવા તેનાં ફઈબા હીરાબહેનના ત્યાં આવ્યો હતો. દરમિયાનમાં રાસ-ગરબામાં કોઈ કારણસર ધક્કામુક્કી થઈ હતી.

આ ધક્કામુક્કી બાબતે પુરુષાર્થનગરમાં જ રહેતા સંકેત રમેશ વાઘેલા, જયમીન તુલસી વાઘેલા, ટીના લક્ષ્મણ વાઘેલા અને અશોક લક્ષ્મણ વાઘેલાએ ભેગા મળી ચિરાગ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કરી ગાળો ભાંડી હતી. બાદમાં એકે પોતાની પાસે રહેલ ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારથી ચિરાગની છાતીમાં ઘા મારી દીધા હતા અને ચારેય ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચિરાગને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

You might also like