ગરબા જોવા નીકળેલા દંપતી અને માતા-પુત્રીનાં માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિનાં મોત થયાં હતાં. ગોંડલ અને મોરબી હાઈવે પર સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટનામાં એક દંપતી અને માતા-પુત્રીનાં કમકમાટીભર્યા મોત થયાં હતાં. જ્યારે સુરત-હજીરા રોડ પર ટ્રેલરે બાઈકને અડફેટ લેતાં એક ગર્ભવતી મહિલા અને તેની પુત્રીની મોત થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

ગોંડલ નજીક અાવેલ બાલાશ્રમ ખાતે રહેતા સાગરભાઈ સોલંકી તેની પત્ની પૂજાબહેન અને ચાર બાળકીઓ રિક્ષામાંથી વડિયા ખાતે માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે ચોરડી ચોકડી પાસે સામેથી અાવી રહેલા ટ્રકે રિક્ષાને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. અા અકસ્માતમાં સાગર સોલંકી તેની પત્ની પૂજાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ચાર બાળકીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં અાવી છે. મોરબી નજીક અાવેલા લખધીરપુર ગામે રહેતા વાલજીભાઈ કરશનભાઈ ખાણધરા તેની પત્ની રીટાબહેન અને એક વર્ષની પુત્રી ફાલ્ગુની ગરબીનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે મોરબી રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં રીટાબહેન અને માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

ઘટનાને પગલે એકત્ર થયેલાં ટોળાંએ ટ્રકને અાગ ચાંપતાં ભારે હોહા મચી ગઈ હતી. અા ઉપરાંત સુરત-હજીરા રોડ પર અાવેલા રિલાયન્સ ગેટ પાસે ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં ગર્ભવતી મહિલા સુનીતા પંચોલી અને તેની ત્રણ વર્ષની પુત્રીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે તેના પતિ નારાયણ ગુમાન પંચોલીને ઈજાઓ પહોંચી હતી.

You might also like