ગાંગુલી અને મેરેડોના વચ્ચે ચેરિટી મેચ રમાશે

કોલકાતા: આર્જેન્ટિનાનો મહાન ફૂટબોલર ડિએગો મેરેડોના આગામી ૧૮-૧૯ સપ્ટેમ્બરે કોલકાતાની મુલાકાતે આવી રહ્યો છે. મેરેડોનાની આ મુલાકાતના બરાબર એક મહિના બાદ ભારતમાં અંડર-૧૭ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે. ૧૯૮૬ની વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાની ટીમના કેપ્ટન મેરેડોનાનો આ બીજો ભારત પ્રવાસ હશે. ડિસેમ્બર ૨૦૦૮માં પણ તે ભારત આવ્યો હતો ત્યારે તેના હજારો ચાહકો તેને આવકારવા એરપોર્ટ ખાતે મોડી રાતે હાજર રહ્યા હતા. ૫૬ વર્ષના મેરેડોનાએ વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોલકાતા ઘણું ખાસ સ્થળ છે અને આશરે દસ વર્ષ પછી પશ્ચિમ બંગાળની ફરી મુલાકાતે આવવા હું બહુ જ ઉત્સુક છું.

મેરેડોના તેની બે દિવસની મુલાકાત દરમિયાન કોલકાતાના લોકપ્રિય અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી સામે ચેરિટી મેચમાં ૧૯મી સપ્ટેમ્બરે રમશે. એ દિવસથી દુર્ગા પૂજા ઉત્સવની શરૂઆત થનાર છે. મેરેડોનાના પ્રવાસના પ્રમોટરે જણાવ્યું કે આ મેચ દરમિયાન ટીમમાં ૧૧ ખેલાડીઓ નહીં હોય. ગાંગુલી ઉપરાંત ઘણી હસ્તીઓ એ મેચમાં ભાગ લેશે. બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેરજી મેરેડોનાનું સન્માન પણ કરશે. આ મેચ ‘મેચ ઑફ યુનિટી’ના નામે રમાશે. યુવાન ખેલાડીઓના લાભાર્થે એક ફૂટબોલ ક્લિનિકનું પણ આયોજન કરાશે.
http://sambhaavnews.com/

You might also like