૩૬ ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી સંદીપ ગઢૌલી એન્કાઉન્ટરમાં ઠાર

ગુડગાંવ: દિલ્હી અને અેનસીઆરમાં લગભગ ૩૬ જેટલા ગુનામાં સંડોવાયેલા ગુડગાંવના કુખ્યાત આરોપી સંદીપ ગઢૌલીનું મુંબઈમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું હતું. જેના માથે રૂપિયા અેક લાખનું ઈનામ જાહેર થયું હતું તેવા ગેંગસ્ટર સંદીપને મુંબઈની અંઘેરી વેસ્ટ સ્થિત અેરપોર્ટ મેટ્રો હોટલમાં ગુડગાંવ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે થયેલી અથડામણમાં પોલીસના હાથે સંદીપનું મોત થયું હતું. આ અથડામણમાં મુંબઈ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

એન્કાઉન્ટરની આ ચકચારી ઘટનામાં સાદા કપડામાં હોટલ પર પહોંચેલી પોલીસે સંદીપના રૂમમાં ઘુસીને તેને પકડવાનો પ્રયાસ કરતા પોલીસ અને સંદીપ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં પોલીસે કરેલા ફાયરીંગમાં સંદીપ ગંભીર રીતે ઘવાયો હતો. બાદમાં સંદીપને નજીકની અેક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોઅે તેને મૃત જાહેર કર્યો હતો. અથડામણમાં અેક હવાલદાર અને અેક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. તેમની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસ ટીમે સંદીપના સાગર‌ીત મનીશ ખુરાના અને દીપક (રહે.ગુડગાંંવ)ની ઘરપકડ કરી લીધી છે.

૩૩ વર્ષીય સંદીપ ૧૯૯૯થી જ વિવિધ ગુનાખોરીમાં સક્રિય હતો. તેની વિરુદ્ધ ગુડગાંવના અનેક પોલીસ મથકમાં હત્યા, લૂંટ, જીવલેણ હુમલા અને અપહરણ જેવા લગભગ ૩૬ કેસ નોંધાયા છે. તેમજ તેને અેક કેસમાં જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફરમાવી છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.

સંદીપ હરિયાણાનો મોસ્ટ વોન્ટેડ આરોપી હતો. તેને ગુડગાંવની પોલીસે મુંબઈમાં થયેલી અથડામણમાં ઠાર માર્યો છે. તેનાં મોતથી લોકોને રાહત થઈ છે. દરમિયાન સંદીપના ભાઈઅે જણાવ્યુ કે સંદીપ સામેના કેસમાં જે ઈનામ જાહેર કર્યું હતું. તેના ફરિયાદીઅે શપથપત્રમાં જણાવ્યું છે કે આ હુમલામાં સંદીપ સામેલ ન હતો. સંદીપના જીવને જોખમ હતુ. સંદીપને પોલીસે અેક સાજીશ હેઠળ મારી નાખ્યો છે. જેમાં બે પોલીસ અધિકાર સામેલ છે.

You might also like