‘ગંગાજળ’ યોજનાથી શ્રદ્ધાળુઓ નિરાશ

કેન્દ્રની મોદી સરકાર કાર્યકાળની શરૂઆતથી જ પવિત્ર ગંગા નદીને શુદ્ધ કરવા સક્રિય છે અને તે માટે ‘ગંગા સ્વચ્છતા વિભાગ’ બનાવીને મસમોટું બજેટ પણ ફાળવ્યું હતુંં. હવે ગંગા નદીને પવિત્ર માનતા અને તેના જળને આચમનમાં લેતા શ્રદ્ધાળુઓ માટે સરકારે ઘેરબેઠા ગંગાજળની યોજના અમલમાં મુકી છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે પોસ્ટ વિભાગની સેવા દ્વારા ગંગાજળને શ્રદ્ધાળુઓનાં ઘર સુધી પહોંચાડવાની યોજનાને હાલમાં જ ખુલ્લી મૂકી હતી અને તેને અનેક રાજ્યોમાં સફળતા પણ મળી છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત ગંગાજળ વિતરણની કામગીરી શરૂ કરાઈ છે. જોકે કેટલાંક કારણોને લીધે શ્રદ્ધાળુઓ આ યોજનાથી નિરાશ થઈ રહ્યા છે.

આ રીતે ઘર સુધી પહોંચે છે ગંગાજળ
યોજના અંતગર્ત ગુજરાતમાં શ્રદ્ધાળુઓને ઘેરબેઠા ગંગાજળ પહોંચાડવા કુલ ૩૪ મુખ્ય પોસ્ટ ઓફિસોથી ગંગાજળનું વિતરણ શરૂ કરાયું છે. ગંગા નદીના ઉદ્ભવસ્થાન સમા ગંગોત્રી અને ઋષિકેશથી ટ્રેન દ્વારા ગંગાજળ દિલ્હીના રેલ મેઇલ સર્વિસ ભવનમાં લાવવામાં આવે છે. અહીં ગંગાજળને બે જુદા જુદા વિભાગમાં સાફ કરાયા બાદ ૨૦૦ અને ૫૦૦ મિલીલિટરની બોટલોમાં પેક થાય છે.

જ્યાંથી તેને રાજ્યોની સર્કલ પોસ્ટઓફિસો ખાતે મોકલાય છે. જૂન માસના પ્રથમ અઠવાડિયે ગુજરાતમાં પણ અમદાવાદના ખાનપુર ખાતેની સર્કલ પોસ્ટઓફિસે ગંગાજળની બોટલો પ્રથમ ચરણના વેચાણાર્થે લવાઈ હતી. અહીંથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓની મુખ્ય પોસ્ટઓફિસો ખાતે મોકલાઈ હતી. જેમાં ગંગોત્રી અને ઋષિકેશના નીરની કુલ ૬૫૦ બોટલો સામેલ હતી.

ગંગાજળ માટે પોસ્ટ શોપ બનાવાઈ
અમદાવાદની જનરલ પોસ્ટઓફિસમાં તો ગંગાજળના વિતરણ માટે ખાસ પ્રકારની
પોસ્ટ શોપ પણ બનાવાઈ છે. જેથી કાઉન્ટરની ભીડ વગર શ્રદ્ધાળુઓ સહેલાઈથી તે ખરીદી શકે. આ માટે ઋષિકેશના ગંગાજળનો ૨૦૦ મિલીલિટરનો ભાવ ૧૫ રૂપિયા અને ૫૦૦ મિલીલિટરનો ભાવ ૨૨ રૂપિયા રખાયો છે, જ્યારે ગંગોત્રીના ગંગાજળનો ૨૦૦ મિલીલિટરનો ભાવ ર૮ રૂપિયા અને ૫૦૦ મિલીલિટરનો ભાવ ૩૮ રૂપિયા રખાયો છે. ગંગાજળના વેચાણ પાછળ પોસ્ટલ વિભાગનો અભિગમ ‘નહીં નફો, નહીં નુકસાન’નો છે. ધીમેધીમે અમદાવાદની ૧૧૫ પોસ્ટઓફિસ પરથી ગંગાજળનું વિતરણ શરૂ કરાશે.

આ અંગે અમદાવાદ જનરલ પોસ્ટઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્તરે કહ્યું, “હજુ લોકો આ યોજના વિશે જાણતા નથી, જેથી વેચાણ ધારણા કરતાં ઓછું છે.”

ઓનલાઈન ગંગાજળ બુકીંગમાં ઉદાસીનતા
આ સુવિધાનો ઘરેબેઠા લાભ લેવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન સુવિધા દ્વારા નજીવો પોસ્ટલ અને પેકેજિંગનો ચાર્જ ચૂકવી ઘરેબેઠા ગંગાજળ મંગાવી શકાય છે. જે પોસ્ટમેન દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવે છે. આ માટે પોસ્ટ વિભાગની વેબસાઈટ પર ઓર્ડર બુક કરાવી શકાય છે. જોકે પોસ્ટ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ હજુ સુધી એક પણ વ્યક્તિએ આ સેવાનો લાભ લીધો નથી.

ગંગોત્રીનું જળ ન હોઈ શ્રદ્ધાળુઓ નારાજ
ગંગા નદી ગંગોત્રીથી પ્રગટ થતી હોઈ ગંગોત્રીના જળનો મહિમા અનેરો હોવાથી શ્રદ્ધાળુઓમાં તેની માગ વધુ છે. જોકે ગુજરાતમાં પ્રથમ ચરણમાં પૂરી પડાયેલી બોટલોમાંથી ગંગોત્રીના જળની બોટલનો જથ્થો ખલાસ થઇ ગયો છે. બીજા ચરણની ૩૦૦ બોટલમાં પણ ગંગોત્રીના ગંગાજળની એક પણ બોટલ પોસ્ટઓફિસો સુધી પહોંચી નથી.

ઉત્તરાખંડમાં ગંગોત્રી નજીક અનુકૂળ હવામાન ન હોઈ ગંગોત્રીના ગંગાજળની બોટલો દિલ્હી રેલ મેઇલ વિભાગમાં પહોંચી શકતી નથી. પરિણામે પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર ગંગોત્રીના ગંગાજળથી અભિષેક કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે. આ અંગે પોસ્ટઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્તર કહે છે, “હાલ ઉપરથી જ ગંગોત્રીના જળનું સપ્લાય થતું નથી, શ્રદ્ધાળુઓને અમે ઋષિકેશનું ગંગાજળ ખરીદવા માટે રીઝવીએ છીએ.”

સરકારે ગંગાજળ યોજના ચાલુ કરી તે શ્રદ્ધાળુઓ માટે આવકાર્ય બાબત છે, પરંતુ હરિદ્વારની જેમ ગંગોત્રીનું જળ પણ પૂરતા જથ્થામાં અને સમયસર મળી રહે તેવા પ્રયાસો થાય તે વધુ ઇચ્છનીય છે અને આમ થશે તો આ યોજના સાર્થક થઈ ગણાશે.

ક્ષીરપ ભૂવા

You might also like