ગેંગરેપની જાણ પીડિતાએ પ્રેમી ગૌરવને કરી તો ફરી અત્યાચાર ગુજારાયો

અમદાવાદ: ઘોડાસરના વેપારીની પુત્રી પર સેટેલાઇટના નેહરુનગર સર્કલ પાસે ચાલુ કારમાં થયેલા ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. પીડિતાની પૂછપરછમાં તેના જ પ્રેમીના મિત્રો અને ભાઇઓએ ભેગા મળી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસે ગઇકાલે કરેલી યુવતીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, માર્ચ-ર૦૧૮માં નહેરુનગર પાસે કેફી પદાર્થ સુંઘાડી અપહરણ કર્યા બાદ ચાલુ કારમાં તેના પર બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હતો, તેમાં ગૌરવના બે પિતરાઇ ભાઇઓની સંડોવણી લાગે છે.

આ ઘટના બાદ ઇન્સ્ટાગ્રામ પર વૃષભ દ્વારા મેસેજ કરી બ્લેકમેેલિંગ કરવામાં આવી રહ્યું હતું. તેની જાણ આજથી ૧૦ દિવસ પહેલાં જ તેણીએ ગૌરવને કરી હતી. ગૌરવને નહેરુનગર પાસે કારમાં બળાત્કાર અંગેની વાત અને વૃષભ તથા યામિની દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પૈસાની માગ તેમજ ધમકી આપવાનું યુવતીએ જણાવતાં ર૬ જૂનના રોજ ફરીથી ઇસનપુરમાં સ્પ્રે છાંટી કારમાં બેસાડી તેની સાથે ત્રણ અજાણ્યા શખસોએ અડપલાં કરી વીડિયો ઉતારી લીધો હતો.

ત્રણ પૈકી એક ઇસમે જ્યારે યુવતીને જયમાલા રોડ પર ઉતારી ત્યારે હિંદીમાં જણાવ્યું હતું કે, “યે સબ તુુને જો ગૌરવ કો બતા દિયા ઉસીકી સજા હૈ, ઔર વૈસે હી યે સબ કુછ ગૌરવને હી કરવાયા હૈ.” ઇસનપુરમાં બનેલી ઘટના બાદ યુવતીએ તેની બહેનને અને માતા-પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યાં હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા, મહિલા ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી પન્ના મોમાયા, ડીસીપી ઝોન-૭ આર.જે. પારગી સહિતના અધિકારીઓએ યુવતીની પૂછપરછ કરી હતી. જેમાં પોલીસ અધિકારીઓએ ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પૂછ્યું ત્યારે યુવતી ચૂપ થઇ જતી હતી.

ગૌરવની સંડોવણી અંગે તેણે કંઇ સ્પષ્ટ જવાબ પોલીસને આપ્યો નથી. જેથી ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મણિનગર સત્યમ્ ટાવર પાસે આવેલી ગલીમાં જ્યારે યુવતી ગઇ ત્યારે મોઢે રૂમાલ બાંધેલા બે યુવકો અને મોઢા પર દુપટ્ટો બાંધેલી બે યુવતીઓ આવી હતી બંને યુવકોએ પાછળથી યુવતીના હાથ પકડયા હતા અને હિંદીમાં યુવતીઓએ જણાવ્યું હતું કે, “જો તે કોઇને આ બાબતે જાણ કરશે તો તેનો વીડિયો વાઇરલ કરી દેશે અને તારા બોયફ્રેન્ડ ગૌરવને મારી નાખશે.” સળગતી સિગારેટ યુવતીના મોઢામાં નાખી ખભા પર ઇન્જેકશન પણ મારવામાં આવ્યું હતું.

યુવતી દ્વારા તેની સાથે નહેરુનગર પાસે થયેલા બળાત્કાર અંગે તેમજ બ્લેકમેલિંગ વિશે તેના બોયફ્રેન્ડ ગૌરવને શા માટે વાત ન કરી તેના ઉપર સવાલો ઊઠી રહ્યા છે. આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ અને અન્ય લોકો મૂળ હરિયાણાના રહેવાસી છે.

તેઓ વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે. ઇસનપુરના કમ્પ્યૂટર કલાસમાં મિત્ર બનેલી યુવતી સાથે ગૌરવને પ્રેમસંબંધ બંધાયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગૌરવ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ તેના પિતાએ ના પાડતા આં‌તરિક ખટરાગ શરૂ થયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સેટેલાઇટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ઇસનપુર પાસેના એક સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે જેમાં કાળા કલરની સ્કોર્પિયો કાર જતી નજરે પડે છે. જો કે તે જ કારમાં યુવતીનું અપહરણ કરાયું હતું કે કેમ તેના પર સવાલ છે.

સીસીટીવી ફૂટેજમાં માત્ર કાર જતી નજરે પડે છે પરંતુ તેનો નંબર જણાતો નથી. રાજકોટથી યામિનીની ધરપકડ કરાયા બાદ મોડી રાત્રે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લવાઇ હતી જ્યાં તેની વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે અન્ય ત્રણ આરોપીઓની પણ અટકાયત કરી લીધી છે. આજે ફરીથી યામિનીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. યામિનીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

સમગ્ર કેસમાં યુવતીને ફસાવી તેના ‌અશ્લીલ વીડિયો બનાવી ગૌરવ અને તેના મિત્રો દ્વારા બ્લેકમેલિંગ કરવાનું કાવતરું કર્યું હોવાનું જણાઇ આવે છે જોકે પોલીસની તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે. આજે ક્રાઇમ બ્રાન્ચ કેસને લઇ કેટલાક ખુલાસા કરશે.

You might also like