નેશનલ હાઈ વે પર લૂંટ સહિત ગંભીર ગુના અાચરતી અમદાવાદની ગેંગ ઝડપાઈ

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈ વે પર એકલદોકલ વાહનચાલકોને અાંતરી હુમલો કરી કિંમતી મુદ્દામાલ તેમજ રોકડ રકમની લૂંટ ચલાવતી અમદાવાદની એક કુખ્યાત ગેંગને પોલીસે ચોટીલા હાઈવે પરથી અાબાદ ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે. પકડાયેલી અા ગેંગે રાજ્યના અનેક હાઈ વે પર લૂંટના ગુના અાચર્યા હોવાનું પોલીસ માની રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ રાજકોટ, અમદાવાદ મહેસાણા તેમજ વડોદરા સુરત હાઈવે પર વારંવાર લૂંટના બનાવો બનતા હોય પોલીસે અાવા બનાવ અટકાવવા સ્ક્વોડની રચના કરી સઘન વોચ ગોઠવી હતી. જેના ભાગરૂપે ચોટીલા હાઈ વે પર પોલીસે નાકાબંધી કરી વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં ચામુંડા ચોકડી પાસે એક ક્વોલિસ કાર શંકમંદ હાલતમાં પડી હોય પોલીસે તેની તલાશી લેતાં તેમાંથી ઘાતક હથિયારો કુહાડી, છરા, મોટા ડિસમિસ, રામપુરી, છરીઓ વગેરે મળી અાવ્યા હતા. કારની નંબર પ્લેટ ઉપર કમળનું નિશાન હોય પોલીસ પણ મુંઝવણમાં મિકાઈ ગઈ હતી.

લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાને અંજામ અાપે તે પહેલાં જ પોલીસે ચામુંડા ચોકડી પાસેથી ક્વોલિસ કારની અાજુબાજુ ફરતા છ શખસને ઝડપી લીધા હતા.

અા શખસોની પૂછપરછ દરમિયાન તેમના નામો શકીલ ફારૂક શાહ દીવાન, મુલસિલ શોકત સૈયદ, શેખ મોહમ્મદ અબ્દુલ હબીબ, શેખ ઝુબેર રશીદ, શેક સલમાન મોહમ્મદ યુનુસ અને ફઝલ ફૈયાઝ સિંધી હોવાનું અને અા તમામ શખસો અમદાવાદના રહીશ હોવાનું જાણવા મળ્યું હતું.

અા ગેંગે જુદા જુદા હાઈ વે પર લૂંટ અને હત્યાના પ્રયાસના અનેક ગુનાઓ અાચર્યા હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે તમામને રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે.

You might also like