ગણેશોત્સવમાં વરસાદનું વિઘ્ન નડે તેવી હાલ શક્યતા નથી

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદે છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો છે. લોકો આતુરતાભેર મેઘરાજાના નવા રાઉન્ડની રાહ જોઇ રહ્યા છે. મેહુલિયાનાં રિસામણાનાં માહોલ વચ્ચે ગણેશોત્સવ દરમ્યાન ભક્તોને વરસાદનું વિઘ્ન નડે તેવા હાલ કોઇ સંજોગો દેખાતા નથી.

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં એક દિવસમાં પડેલા સર્વાધિક વરસાદનો પાછલા ૧૦ વર્ષનો રેકર્ડ તપાસતાં
તા.૭ સપ્ટેમ્બર ર૦૦૬એ શહેરમાં ખાબકેલો ચાર ઇંચ વરસાદનો છે. શહેરમાં ગત વર્ષ ર૦૧પની ૧૯મી સપ્ટેમ્બરે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૯મી સપ્ટેમ્બર ર૦૧૪એ પોણા ચાર ઇંચ વરસાદ, ગત તા.રપ સપ્ટેમ્બર ર૦૧૩એ સવા ત્રણ ઇંચ વરસાદ, ગત તા.૪ સપ્ટેમ્બર ર૦૧રએ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ જે તે વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદનો લક્ષ્યાંક હતો. જોકે વર્ષ ર૦૦૭, ર૦૦૮, ર૦૦૯, ર૦૧૦ અને ર૦૧૧ સપ્ટેમ્બર મહિનાના વરસાદની દૃષ્ટિએ સાવ નબળા પુરવાર થયા હતા. સપ્ટેમ્બરનો સમગ્ર મહિનાનો વરસાદનો ઓલ ટાઇમ રેકોર્ડ વર્ષ ૧૯પ૦માં નોંધાયો હતો. તે વર્ષે શહેરમાં કુલ રપ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જે પૈકી ગત તા.૧૯ સપ્ટેમ્બર, ૧૯પ૦ એ એક જ દિવસે દશ ઇંચથી વધુ વરસાદ તૂટી પડતાં અમદાવાદ જળબંબાકાર થયું હતું. આજે
૬૬ વર્ષ બાદ પણ આ રેકર્ડ અકબંધ જ છે.

દરમ્યાન ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજ દિન સુધી ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ પપ૭.૯ર એમએમ વરસાદ પડી ચૂક્યો છે. જે સિત્તેર ટકા થાય છે. રાજ્ય રપ૦ તાલુકા પૈકી ૧૭ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ ૯ર તાલુકામાં વીસથી ચાલીસ ઇંચ, ૧૧૬ તાલુકામાં દશથી વીસ ઇંચ અને ૧૯ તાલુકામાં પાંચથી દશ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

You might also like