સિંદૂરિયા ગણેશજી (નડિયાદ) ।। ૯૦૦ વર્ષ જૂનું મંદિર ।।

શિવાલય હોય, સ્વામિનારાયણ મંદિર હોય, અંબાજીનું મંદિર હોય આ બધાં મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોય જ છે. આ બાબત ગણેશજીનું કેટલું અધિક મહત્ત્વ છે તે દર્શાવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે. તેમની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. જે ગણેશભક્ત દર માસમાં આવતી વદ તથા સુદની ચોથ કરે છે તે ભક્ત જીવનમાં તમામ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી પ્રગતિ સાધે છે. તેના ઉપર કષ્ટ આવતાં નથી. જો પૂર્વ જન્મના કર્મોને કારણે તેનાં પર કષ્ટ આવે તો પણ ગણેશજીની અપાર કૃપાને કારણે તે ભક્ત બહુ જલદીથી કષ્ટમુક્ત થાય છે.

ફક્ત અને ફક્ત ગણેશજીનું મંદિર હોય તેવું બહુ ઓછું બનતું હોય છે. છતાં આજે ભારતમાં ઘણાં સ્થળે ફક્ત અને ફક્ત ગણેશજી જ હોય તેવાં મંદિર પણ છે. આવી જ એક બાબત આપણનેે ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં જોવા મળે છે. અહીં મોદી સાંથમાં લગભગ ૯૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂનું મંદિર છે. આ મંદિર સમગ્ર નડિયાદમાં ખૂબ લોકપ્રિય છે. અહીંના ગણેશજીની બાધા રાખનાર જે તે ભક્ત પોતાનો ઇચ્છિત ધ્યેય બહુ જલદી પૂર્ણ કરે છે. આ બાબત ગણેશજીની કૃપાને આભારી છે. ગણેશજીની મૂર્તિ આરસપહાણની હોવાથી તેને સફેદ જ લગભગ જોવા મળે છે. પરંતુ કેટલાંક એવાં પણ મંદિર છે જેમાં ગણેશજીને સિંદૂર ચડતું હોવાથી તે સિંદૂરિયા ગણેશજીને નામે પ્રખ્યાત હોય છે.

ધોળકા પાસે જમણી સૂંઢવાળા ગણેશજી, બીજું નાનકડું છતાં શ્રદ્ધા અને ભક્તિથી ભરપુર નડિયાદના આશાપુરા માતાનંું મંદિર. મોદી સાંથમાં આવેલું ગણેશજીનું મંદિર ૯૦૦ વર્ષ પુરાણું મનાય છે.

ગણેશને લાડુ, ઘી, ગોળનું નૈવેદ્ય ખૂબ જ પ્રિય છે. તેમને જાસૂદનાં લાલ પુષ્પ ખૂબ વહાલાં છે. સફેદ દૂર્વા ત્રણ પાંખડાંવાળી તથા જાસૂદના લાલ પુષ્પ ચડાવનાર ઉપર ગણેશજી બહુ જલદી પ્રસન્ન થઇ જાય છે. મોટેભાગે ગણેશજીની મૂર્તિ આપણને સફેદ તથા રંગીન જોવા મળે છે. પરંતુ ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના સાંથ (મોદી સાંથ) વિસ્તારમાં આવેલ આ મંદિરમાં ઘી તથા સિંદૂર ચડાવાય છે ગણેશજીને.

ગણેશ ભક્તો તેમનો ઇચ્છિત ધ્યેય પાર પાડવા મોદી સાંથમાં આવેલા આ ગણેશજીને ઘી તથા સિંદૂર ચડાવવાની બાધા રાખે છે. જેવી તેમની ઇચ્છા પૂર્ણ થાય છે કે તરત જ જે તે ભક્ત ગણેશજીને ઘી, સિંદૂર ચડાવી તેમનાં દર્શન કરી જાય છે. જેથી અા ગણેશજી આશાપુરા ગણેશજીના નામે પણ ઓળખાય છે.

ર૪ કલાક ખુલ્લા રહેતા આ મંદિરની બાંધણી નત મસ્તક થઇને આવવું પડે તે પ્રકારની છે. કેટલાક ગણેશ ભક્તો તથા શ્રદ્ધાળુ તેમનો ઇચ્છિત ધ્યેય પૂર્ણ થતા ત્રણ પાંચ કે સાત શ્રીફળનું તોરણ ચડાવી જાય છે.

આશાપુરા ગણેશજીના આ સિંદૂરિયા ગણેશજી ઉપર દર ચોથના દિવસે દર્શન તથા સિંદુરના અભિષેક માટે ભારે ભીડ જામે છે. મંદિરમાં નિત્યક્રમ મુજબ પૂજારી દ્વારા પૂજન, અર્ચન તથા આરતીના કાર્યક્રમો યોજાય છે. આ મંદિરના બારણાં ક્યારેય વસાતાં નથી. દર અનંત ચૌદશે દાદાને અન્નકૂટ ધરાવાય છે. અહીં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. એકલા ગણેશજીના આ મંદિરમાં ગણેશજીની સાથે હનુમાનજી મહારાજ પણ બિરાજે છે. આ મંદિરમાં દર્શન કરી ભક્તો ધન્ય થતા જોવા મળે છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like