ગૌરીપુત્ર ગણેશજી એટલે દયાના ભંડાર

વેદકાલિન સમયથી ગણેશજીનું પૂજન અર્ચન થતું આવ્યું છે. ગણેશજીનું પૂજન કેવળ ભારતમાં જ પ્રચલિત નથી, પરંતુ ચીન, જાપાન, તૂર્કસ્તાન, તિબેટ વગેરેમાં પણ પ્રચલિત છે. આ દેશોમાં તેમના સંદર્ભ જોવા મળે જ છે. આમ, ગણેશજી સૌના આરાધ્ય દેવ છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમની આશિષ મળે તે હેતુથી તેમનું અગ્રપૂજન થાય છે.
ગૌરીપુત્ર ગણેશજી ખૂબ દયાળુ છે. તેઓ કૃપાના મહાસાગર છે. જો કોઇ ભક્ત તેમને સાચા હૃદયથી પોકારે તો ગણેશજી તરત જ દોડતા આવી ભક્તને પીડામાંથી મુક્ત કરે છે. જો તમારા માથા ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. તમે અપાર દરિદ્રતા ભોગવો છો. ખૂબ મહેનત કરવા છતાં બે ટંક રોટલા નસીબ થતા નથી. પુત્ર નથી, વિવાહ થતા નથી. સંતાનમાં ફક્ત અને ફક્ત પુત્રી જ થાય છે. તમે જેને ચાહો છો તે પ્રેમિકા તમારી સાથે લગ્ન કરવા હા નથી પાડતી. તમને કોઇ યુવતી કે યુવક ખૂબ ગમે છે, પરંતુ તેની સાથે લગ્ન થવાં શક્ય નથી. તમારું મકાન નથી, સારી નોકરી નથી, ધંધામાં બરકત નથી. ઘરમાં તમારું ઊપજતું નથી, પત્ની બીજાને જેટલું માન આપે છે તેટલું માન તમને નથી આપતી. વારંવાર અકસ્માત થતો હોય, વિવાહનું નક્કી થવા આવેલું પાત્ર છેલ્લી ઘડીએ ના પાડી દેતું હોય અથવા અહીં વર્ણવેલી સમસ્યામાંથી બીજી કોઇ પણ સમસ્યા તમારા જીવનમાં ઉદ્ભવી હોય તો આ તમામમાંથી છૂટવાનો અહીં એક ખૂબ સરળ તથા પ્રચલિત ઉપાય વર્ણવું છું. જે કરવાથી તમારી તમામ કષ્ટ પીડા દૂર થશે. જરૂર છે ફક્ત શ્રદ્ધાથી આ ઉપાયરૂપી પ્રયોગ કરવાની.
ૐ ગં ગણપતયૈ નમઃ
આ મહામંત્ર છે. ફક્ત મંત્ર નથી. આ મંત્રના સવા લાખ જપ ગણેશજીના સાંનિધ્યમાં કરો. જુઓ તમને કેવો ચમત્કારિક લાભ થાય છે.
બીજો એક પ્રયોગઃ
ૐ ગં ગણેશાય નમઃ
આ મંત્ર અથવા ૐ ગં ગણપતયૈ નમઃ બેમાંથી કોઇ પણ એક મંત્ર ૧૦૦૮ વખત જપીને સિદ્ધ કરી લેવો. મંગળવારી અંગારકી ચોથના દિવસે ગણેશજીનું પૂજન કરી શુભ ચોઘડિયામાં એક ૪૦૦ પાનાંની નોટ લઇ તેમાં ચાર સળ પાડવા. ઉપરના બેમાંથી કોઇ એક મંત્ર લઇ શાંત ચિત્તે, ધૂપ, દીપ સહિત, લાલ આસન ઉપરબેસી, લાલ અબોટિયું પહેરી લાલ પેનથી લખવો. પહેલે દિવસે જેટલા મંત્ર જે સમયે લખો તેટલા મંત્ર દરોજ લખો. કોઇ કારણસર કોઇ દિવસ મંત્રલેખન શક્ય ન બને તો સહેજેય મુંઝાવું નહીં.
શક્ય એટલી પવિત્રતા જાળવવી. મંત્રલેખન દરમિયાન ચોરી, જુગાર, વ્યભિચાર, નિંદા, કૂથલી, હિંસાથી દૂર રહેવું. આવી રીતે સતત મંત્રલેખન કરતા જવંુ. ફક્ત ત્રણ મહિનામાં તેનું તમને ઉત્તમ ફળ મળશે. એક મહિનાના મંત્રલેખન બાદ તમને ઇચ્છિત લાભ થશે. તમારાં સંકટો દૂર થતાં જશે. સર્વત્ર તમારો જયજયકાર થશે. આ પ્રયોગ મારો સ્વયં અનુભવસિદ્ધ છે.
કલોલના પરમ સાધ્વી શ્રી કોકિલામાએ પણ આ પરમ પ્રયોગ દ્વારા અપાર સિદ્ધિ મેળવેલી છે. તેઓએ ગણેશ ઉપાસના કરી અનેકનાં દુઃખ દર્દ કર્યાં છે. ગણેશજી ખૂબ દયાળુ દેવ છે. તમે એક વખત તેમને પરમ શ્રદ્ધાથી બોલાવો, જુઓ તે કેવા દોડતા આવી તમારી ઇચ્છા પૂર્ણ કરે છે તે.
શાસ્ત્રી હિમાંશુ  વ્યાસ

You might also like