તમામ સુખ મેળવવા આદરો ગણેશ ભક્તિ

ભગવાન ગણેશજીનું એક નામ વિઘ્નહર્તા છે. તેમની પૂજા સર્વ પૂજાઓમાં અગ્રસ્થાન પામી છે. જ્યાં જ્યાં ગણેશજી હોય છે ત્યાં ત્યાં રિદ્ધિ અને સિદ્ધિ હોય છે. રિદ્ધિ અને સિદ્ધિ ગણેશજીની બે પત્ની છે. તેમનાં બે પુત્ર છે. જેમનાં નામ અનુક્રમે લાભ અને શુભ છે. જ્યાં જ્યાં ગણેશ પૂજા થતી હોય છે ત્યાં ત્યાં રિદ્ધિ, સિદ્ધિ, લાભ અને શુભ હોય છે જ. સાથેસાથે વિઘ્નહર્તા તો ખરા જ. બોલો, જ્યાં ગણેશજી અર્થાત્ વિઘ્નહર્તા, રિદ્ધિ, સિદ્ધિ, લાભ અને શુભ હોય ત્યાં કોઇ પ્રકારનું દુઃખ કે અનિષ્ટ આવે? આવે તો ટકે ખરું?

ગણેશજીની ભક્તિ જે તે મનુષ્યને તમામ પ્રકારનું સુખ, વૈભવ અને અપાર અૈશ્વર્ય આપે છે. ગણેશ પૂજન નિત્ય કરનારના તમામ મનોરથ ગણેશજી પાર પાડે છે. ગણેશજી એટલે વિઘ્નહર્તા. તેમનું નામ નિત્ય જપનારનું જીવન નિર્વિઘ્ન થઇ જાય છે. દુઃખરહિત થઇ જાય છે. તેમની પૂજા સર્વ દેવોમાં સૌપ્રથમ કરવી તેવો શાસ્ત્રોમાં સ્પષ્ટ નિર્દેશ છે. શ્રી ગણેશજીનાં અસંખ્ય નામ છે. ગણેશજી બહુ વિચક્ષણ છે. તેમણે વેદવ્યાસના બોલેલા શબ્દેશબ્દનો અર્થ સમજી સરળ ભાષામાં લખતાં જે મહાગ્રંથ તૈયાર થયો તે મહાભારત.

ગણેશ પૂજાની સરળ રીતઃ
ગણેશજીના ભક્તોએ પીળી માટીનો ગાંગડો લેવો. તેના પર લાલ નાડાછડી વિંટાળવી. આટલું કરતાં ગણેશજી તૈયાર. ગણેશજીનું આ સાકાર સ્વરૂપ છે. તેમના ઉપર કંકુનાં છાંટણાં કરવાં. ગણેશજીને લાલ વસ્તુ ખૂબ પ્રિય છે. તે બહુધા લાલ પીતાંબર પહેરે છે. તેમની પૂજામાં સઘળું લાલમલાલ વપરાય છે. ચીકુ, ગોળ, લાલ જાસૂદનાં પુષ્પ તેમને ખૂબ પ્રિય છે. લાલ કરેણનાં પુષ્પ પણ તેમને ખૂબ ગમે છે. તેથી તેમના ઉપર અક્ષત તથા લાલ પુષ્પ અવશ્ય ચડાવવાં. તેમને ગોળ અથવા પાંચ પતાસાં ચડાવી તેમની આરતી ઉતારવાથી તેમની પૂજા સંપન્ન થઇ જાય છે. જેમ શંકરજીને એક લોટો જળ ચડાવવાથી તે પ્રસન્ન થઇ જાય છે તેમ ગણેશજી લાલ વસ્તુઓથી ખુશ થઇ જાય છે. ગણેશજીનો ગણેશલોક કંકુમય આભા પ્રસરાવતો લાલઘૂમ છે. તેમનાં બંને પત્ની લાલ વસ્ત્ર જ ધારણ કરે છે. ગણેશપુત્ર લાભ અને શુભ પણ હરહંમેશ લાલમલાલ વસ્ત્રોથી ઓપે છે. સમગ્ર ગણેશ પરિવારની હથેળી તથા પગની પાની તદ્દન લાલ હોય છે.

ગણેશજીનો ફોટો, પ્રતિમા કે ચિત્ર, તેમનું કોઇ પણ સ્વરૂપ જેમાં અંકિત હોય છે તે જો પગમાં આવે તેમ હોય તો તેને ક્ષણનાય વિલંબ વગર લઇ જળ વિસર્જન કરી દેવું જોઇએ. ગણેશજીના ટૂંકા મંત્રનું સદા સ્મરણ કર્યા કરવું. ગણેશ ભક્તોએ પાપકર્તા, નિંદા, ચાડી, ચૂગલી, હિંસા, અનાચાર, દુરાચાર, પાપાચાર, પરસ્ત્રીગમન કે સંગ, બીજાનું પડાવી લેવાની વૃત્તિ વગેરેનો ત્યાગ કરવો. ગણેશજીનું કોઇ પણ ચિત્ર, બીડી, મદિરાના વેચાણ માટે ઉપયોગમાં લેવું જોઇએ નહીં. તેમના ભક્તોએ માદક પદાર્થનું કદી સેવન ન કરવું. દારૂ, જુગાર, માંસ વગેરે જેવાં દૂષણ ત્યજી દેવાં જોઇએ.

આમ કરવાથી તમારા જીવનમાં કોઇ વિઘ્ન નહીં આવે. છતાંય જો તમારાં પાપકર્મ ઉદયમાં આવતાં કોઇ વિઘ્ન તમારા જીવનમાં પારવાર મુશ્કેલી સર્જી જાય તો પણ તમારી ગણેશ ભક્તિ તે વિઘ્નને વિઘ્ન લાગવા જ નહીં દે. ગણેશ ભક્તોએ બને તેટલા ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા. બને તેટલા ગણેશ ગાયત્રીમંત્રના જાપ કરવા. જેમને બહુ દેવું થઇ ગયું હોય તેમણે ઋણહરણ ગણેશસ્તોત્ર દરરોજ સવાર સાંજ બે વખત કરવા. મંગળવારે ૧૧ વખત એક બેઠકે ધૂપ, દીપ સહિત ગણેશજી આગળબેસી કરવાથી (ઋણહરણ સ્તોત્ર) તમામ દેવું ગણેશકૃપાથી બહુ જલદી દૂર થઇ જાય છે.•

You might also like