ગણેશ વિસર્જન દરમિયાન બ્રિજ પર ધક્કામુક્કી થઈ અને વિદ્યાર્થી નદીમાં પડ્યો

અમદાવાદ: ગઈ કાલે વિઘ્નહર્તા ગણપતિને લોકોએ ધામધૂમથી વિદાય આપી વિસર્જન કર્યું હતું. આ ગણપતિ વિસર્જન જોવા આવેલો એક મૂકબધિર સગીર એલિસબ્રિજ પરથી નદીમાં પટકાતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે સગીરને બચાવવા પ્રયત્ન કર્યાે હતાે, પરંતુ સગીર બચી શક્યો ન હતો. અન્ય એક યુવક પણ સરદારબ્રિજ પરથી નદીમાં પડ્યો હતો, પરંતુ તેની લાશ મળી આવી ન હતી.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસણા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલા પૂનમપરિતા ફલેટમાં જય પરાગભાઈ રાવલ (ઉ.વ.૧૬) રહેતો હતો. જય અંકુર સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે જય તેનાં માતા-પિતા સાથે ગણપતિ વિસર્જન જોવા રાત્રે એલિસબ્રિજ પર આવ્યો હતો.

ગણપતિ વિસર્જન જોવા બ્રિજ પર શહેરમાંથી ઘણા લોકો આવ્યા હોઈ બ્રિજ ઉપર ભીડ હતી. દરમિયાનમાં લાલદરવાજા તરફથી લોકો વધુ આવતાં ભીડ વધી ગઈ હતી અને ધક્કામુક્કી દરમિયાન જય બ્રિજ પરથી નીચે નદીમાં પડ્યો હતો. નદીમાં સગીર પડતાં લોકોએ બૂમાબૂમ કરી હતી. વિસર્જન માટે હાજર ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો, પરંતુ ફાયરની ટીમ જયને બચાવવામાં સફળ રહી નહોતી અને તેનું મોત નીપજ્યું હતું. વિસર્જન દરમિયાન આ ઘટનાના પગલે લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પણ એક યુવક સરદારબ્રિજ પરથી સાબરમતી નદીમાં પટકાયો હતો. ફાયરની ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની લાશ મળી આવી ન હતી. ગઈ કાલે સાબરમતી નદીમાં મોટી ગણપતિની મૂર્તિઓને વિસર્જન કરવા કોર્પોરેશન દ્વારા ક્રેન મૂકવામાં આવી હતી.

એલિસબ્રિજ પર મૂકવામાં આવેલી એક ક્રેનમાં ગઈ કાલે રાત્રે ગણપતિની મૂર્તિને નદીમાં ઉતાર્યા બાદ ક્રેન ઉપર આવી રહી હતી ત્યારે પટ્ટો તૂટતાં ક્રેન પર ઊભેલા ચાર યુવક નીચે નદીમાં પટકાયા હતા. ચારેય યુવકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સંકેત ગોપાલભાઈ કંથારિયા (ઉ.વ.૨૪, રહે. ઘીકાંટા)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

You might also like