ગણેશજીની ઉત્પત્તિ અને તેમનાં કાર્યો

એક વખત બધા દેવ ભેગા થઇ વિચારવા લાગ્યા કે આ અસુરો મહાદેવ તથા બ્રહ્માજીનું તપ કરી તેમની પાસેથી ઇચ્છા વરદાન માગી વધુ બળવાન બની આપણને અપાર દુઃખ આપે છે. તો ચાલો આપણે પણ તેઓ સાથેના યુદ્ધમાં વિજયી થઇએ. તે માટે શંકરના શરણે જઇએ. બધા દેવ કૈલાસમાં શિવજી પાસે આવી સમૂહમાં શિવગાન ગાવા લાગ્યા. આ જોઇ શિવ પ્રસન્ન થયા. તેમણે દેવતાઓને તેઓ કૈલાસ ઉપર કેમ આવ્યા? તેનું પ્રયોજન પૂછ્યું. બધા દેવે ઉપરની વાત જણાવી. શિવે તેમને તે અંગે યોગ્ય કરવાનું જણાવ્યું. પ્રસન્ન થયેલું દેવવૃંદ ત્યાંથી પોતપોતાને લોક ચાલ્યું ગયું.

એક વખતની વાત છે. માતા પાર્વતી આગળ એક પરમ તેજસ્વી, હાથી જેવા મુખવાળા બાળકનું પ્રાગટ્ય થયું. તે બાળકના એક હાથમાં પાશ તો બીજા હાથમાં ત્રિશૂળ હતાં. તે બાળક તે ગણેશજી. તેમને જોઇ આકાશમાંના બધા દેવતાઓએ કૈલાસ પર્વત ઉપર શિવલોકમાં તે બાળ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ગણેશજી પાર્વતી તથા પિતા શંકર આગળ નૃત્ય કરવા લાગ્યા. પાર્વતી માતાએ પ્રસન્ન થઇ ગણેશજીને સુંદર વસ્ત્રો તથા ખાસ અલંકાર પહેરાવ્યાં.

શંકર ભગવાને તે બાળકને સોળ સંસ્કાર કરાવ્યા. પોતાના ખોળામાં બેસાડી તેને છાતીસરસો ચાંપી કહ્યું કે, ‘હે પુત્ર, તમારો અવતાર દૈત્યોનો નાશ કરવા, દેવી દેવતા, મનુષ્યોનાં રક્ષણ માટે તથા તે બધાંને કોઇ વિઘ્ન ન આવે તે માટે થયો છે. હે ગણેશ, જો કોઇ મનુષ્ય યજ્ઞયાગાદિ કરતો હોય તો તેનું રક્ષણ કરો. જો કોઇ મનુષ્ય કે દેવી દેવતા તમને સાચા હૃદયથી પોકારે તો તેના ભયંકરમાં ભયંકર અને મુશ્કેલમાં મુશ્કેલ કામ પાર પાડો. તમારો અવતાર જ આ કામ માટે થયો છે. તમે સૌનું કલ્યાણ કરો. સૌનાં વિઘ્ન દૂર કરો.

જે મનુષ્ય તમારો ભક્ત હશે તેને ઇન્દ્રાદિ દેવતા પણ પૂજશે. તેનાં સઘળાં કાર્યો પૂરાં થશે. જો કોઇ તમારી પ્રથમ પૂજા કર્યા સિવાય બીજા કોઇ દેવની પૂજા કરશે તો તેની પૂજા સફળ નહીં થાય. તે બધાંને તમારા થકી વિઘ્ન નડશે.’ આમ, કહી ભગવાન શિવે પોતાની માયાથી બીજા અનેક ગણ ઉત્પન્ન કર્યા. તે સૌના અધિનાયક તરીકે ગણપતિને નીમ્યા. શ્રી ગણપતિ મહારાજનાં બાર નામ છે. તે બાર નામનું સ્મરણ સવારે ઊઠતાંની સાથે કરનારને કોઇ વિઘ્ન કે દુઃખ આવતાં નથી. જેણે ખરેખર સુખી થવું છે, જેની માથે બહુ મોટું દેવું થઈ ગયું હોય તેણે સંકટનાશન ગણેશ સ્તોત્ર તથા ઋણહરણ ગણેશ સ્તોત્રનું નિયમિત પઠન કરવું. ગણેશજીના મંદિરે સવાર સાંજ કચરો વાળનાર પણ ખૂબ સારી નોકરી તથા ઉત્તમ પતિ કે પત્ની મેળવી શકે છે.•

You might also like