ગણેશજીનો વિવાહ રિદ્ધિ સિદ્ધિ સાથે કેવી રીતે થયો

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહનો વિવાદ થયો. બંને પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.
માતા પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”
કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે, જે કોઇ વ્યકિત માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. માતા પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે.માતા પિતા ગણેશની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.
વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિની કૂખે ‘લાભ’ નામે પુત્ર રત્નનો જન્મ થયો.
આ બાજુ કાર્તિકેયને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશનો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાસથી દક્ષિણમાં આવી શ્રી શૈલ પર રહ્યા.
કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પછી ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતા. પુત્ર વિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં.
ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેયનાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેયનાં દર્શન કરે છે તેને ઇષ્ય સિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.
ગૌરીપુત્ર ગણેશનો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વ પ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.•

You might also like